Home Technology
December 18, 2025

ટોલ બૂથ પર ઊભા રહેવાની ઝંઝટ હવે ખતમ, AI આધારિત ટોલ સિસ્ટમ લાવવાની તૈયારી, નીતિન ગડકરીની મોટી જાહેરાત

Inside Gujarat

Author

Post Image

હાઈવે પર મુસાફરી કરનારા કરોડો લોકો માટે આવનાર વર્ષોમાં સફરનો અનુભવ સંપૂર્ણ બદલાઈ શકે છે. લાંબી લાઈનો, વારંવાર બ્રેક લગાવવી, ગાડી અટકાવવી અને ટોલ પ્લાઝા પર સમય બગાડવાની સમસ્યાઓને સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર હવે AI આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હાઈવે પર મુસાફરી વધુ સ્મૂથ, ઝડપી અને ઈંધણ બચાવનારી બનશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે સરકાર 2026ના અંત સુધી સમગ્ર દેશમાં મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ (MLFF) અમલમાં લાવવાનો લક્ષ્ય ધરાવે છે. સરકારનું માનવું છે કે આ સિસ્ટમ હાલની FASTag વ્યવસ્થાથી પણ વધુ અદ્યતન હશે, જેમાં વાહનને ટોલ માટે ન તો રોકવું પડશે અને ન તો તેની ગતિ ઘટાડવાની જરૂર પડશે.

ગત કેટલાક વર્ષોમાં FASTagથી ટોલ કલેક્શન ડિજિટલ બન્યું છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં હજુ પણ અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. ઘણા ટોલ પ્લાઝા પર ટૅગ સ્કેન ન થવું, બેરિયર મોડું ખૂલવું, ખોટી લેનમાં પ્રવેશ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ યથાવત છે. નિતિન ગડકરીએ કહ્યું કે દેશનો નેશનલ હાઈવે નેટવર્ક સતત વિસ્તરી રહ્યો છે અને વાહન વ્યવહાર પણ ઝડપથી વધી રહ્યો છે, તેથી હવે બેરિયર આધારિત ટોલ સિસ્ટમ સમય અને ઈંધણ બંને માટે બોજરૂપ બની રહી છે.

નવો મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ સંપૂર્ણપણે બેરિયર-ફ્રી હશે. પરંપરાગત ટોલ બૂથની જગ્યાએ હાઈવે પર ખાસ ગેનટ્રી સ્થાપિત કરવામાં આવશે, જેમાં હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અદ્યતન સેન્સર લાગેલા હશે. જ્યારે કોઈ વાહન આ પોઈન્ટ પરથી પસાર થશે, ત્યારે AI આધારિત સિસ્ટમ વાહનની નંબર પ્લેટ વાંચશે અને તેને FASTag અથવા સંબંધિત અકાઉન્ટ સાથે મેળ ખવડાવશે. આ પ્રક્રિયા સેકન્ડોમાં પૂર્ણ થશે અને ટોલ રકમ આપમેળે કપાઈ જશે.

સરકારનો દાવો છે કે આ ટેક્નોલોજી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા વાહનોને પણ સરળતાથી ઓળખી શકે છે. એટલે કે હાઈવે પર મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ નહીં રહે અને ટ્રાફિકનો પ્રવાહ સતત ચાલુ રહેશે.

FASTagને લઈને પણ ઘણા લોકોમાં પ્રશ્ન છે કે શું તે બંધ કરી દેવામાં આવશે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે હાલ FASTag બંધ નહીં થાય. નવો AI આધારિત સિસ્ટમ FASTag સાથે મળીને કામ કરશે. એટલે વપરાશકર્તાને અલગથી કોઈ નવો ટૅગ લગાવવાની જરૂર નહીં પડે. AI કેમેરા નંબર પ્લેટ ઓળખશે અને FASTag ડેટાબેસ સાથે જોડીને ટોલ વસૂલશે. શરૂઆતના તબક્કામાં FASTag સમગ્ર સિસ્ટમની રીઢ બની રહેશે અને ભવિષ્યમાં GPS જેવી ટેક્નોલોજીનો પણ વધુ ઉપયોગ થઈ શકે છે.

આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો લાભ સામાન્ય મુસાફરોને મળશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર ન રહેતા મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. વારંવાર ગાડી અટકાવવી અને ફરી શરૂ કરવાથી થતો વધારાનો ઈંધણ ખર્ચ પણ બચશે. લાંબા ગાળે આ સિસ્ટમથી ઈંધણ બચત સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.

સરકારને પણ આ સિસ્ટમથી મોટો લાભ થવાની અપેક્ષા છે. ટોલ કલેક્શનમાં થતી ગડબડ અને લીકેજ બંધ થશે, જેના કારણે રાજસ્વમાં વધારો થશે. નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, સુધારેલી ટોલ વ્યવસ્થાથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાની વધારાની આવક શક્ય છે, જેને ફરીથી સડકો અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ કરવામાં આવશે.

AI અને કેમેરાના ઉપયોગને લઈને પ્રાઇવસી સંબંધિત ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ સિસ્ટમ માત્ર ટોલ કલેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જ ઉપયોગમાં લેવાશે. વાહનોનો ડેટા સુરક્ષિત સર્વર પર રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કડક નિયમો હેઠળ જ થશે. સરકારનો દાવો છે કે ડેટા પ્રોટેક્શનના તમામ કાયદા અને માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.