Home World
March 01, 2026

ઈરાનની કમાન સંભાળનાર અલીરેઝા અરાફી કોણ છે? જાણો ખામેનેઈના સૌથી વિશ્વાસુ કેવી રીતે બન્યા

Paras Joshi

Author

Post Image

મિડલ ઈસ્ટમાં તણાવ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈરાનમાં એક મોટા ફેરફારની જાહેરાત થઈ છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલાઓમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દેશના નવા નેતૃત્વ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈરાનના ધાર્મિક અને રાજકીય તંત્રમાં વિશ્વાસપાત્ર અને પ્રભાવશાળી ચહેરા તરીકે જાણીતા આયાતુલ્લાહ અલીરેઝા અરાફીને દેશના Interim Supreme Leader તરીકે નિમવામાં આવ્યા છે. દેશ બહાર યુદ્ધની પરિસ્થિતિ અને અંદર રાજકીય અનિશ્ચિતતા વચ્ચે અરાફીના ખભા પર હવે સમગ્ર Islamic Republic of Iran ને સંભાળવાની મોટી જવાબદારી આવી પહોંચી છે.

1959માં ઈરાનના યઝ્દ પ્રાંતના મેયબોદ શહેરમાં જન્મેલા અલીરેઝા અરાફી એક પ્રતિષ્ઠિત ધાર્મિક પરિવારમાંથી આવે છે. તેમના પિતા પણ જાણીતા ધર્મગુરૂ અને વિદ્વાન હતા, જેના કારણે બાળપણથી જ અરાફી પર ધાર્મિક શિક્ષણનો ઘનિષ્ઠ પ્રભાવ રહ્યો હતો. તેમણે પોતાના જીવનનો મોટો ભાગ ઈરાનના મુખ્ય ધાર્મિક કેન્દ્ર કોમમાં વિતાવ્યો છે, જ્યાં મદરસા અને ધાર્મિક પ્રશાસનિક સંસ્થાઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અરાફીએ કોમના અગ્રણી ઉલેમાઓના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ સ્તરની ઇસ્લામિક શિક્ષણ પ્રાપ્ત કરી અને ‘Mujtahid’ નો દરજ્જો મેળવ્યો. શિયા પરંપરામાં આ દરજ્જો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ધાર્મિક કાનૂની ફતવો સ્વતંત્ર રીતે જાહેર કરવાની સત્તા આપે છે. આ ધાર્મિક પ્રતિષ્ઠાએ તેમને ઈરાનના ધાર્મિક માળખામાં એક મજબૂત સ્થાન અપાવ્યું.

તેમનો રાજકીય ગ્રાફ ખાસ કરીને ખામેનેઈના માર્ગદર્શન હેઠળ ઝડપથી ઉંચાઈએ પહોંચ્યો. ખામેનેઈએ તેમને વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિમણૂક કરી હતી, જેનાથી તેમની સત્તા અને પ્રભાવ બંને વધ્યા. તેમણે પ્રથમ મેયબોદમાં અને ત્યારબાદ કોમમાં જुमેની નમાજ અદા કરાવી, જે સત્તાના કેન્દ્ર સાથે નજીકના સંબંધનું મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

અરાફી અલ-મુસ્તફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ સંસ્થા ઈરાન અને વિદેશી વિદ્યાર્થીઓને ધાર્મિક તાલીમ આપતી અગત્યની સંસ્થા તરીકે ઓળખાય છે. 2019માં ખામેનેઈએ તેમને શક્તિશાળી Guardian Council ના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. Guardian Council દેશના કાયદાઓની સમીક્ષા કરે છે અને બંધારણીય વ્યવસ્થાને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેથી આ નિમણૂક તેમના પર વિશ્વાસનો મોટો દાખલો ગણાય છે.

Council on Foreign Relations મુજબ અરાફી પાસે ધાર્મિક જ્ઞાન અને પ્રશાસનિક અનુભવનો સચોટ સમન્વય છે. તેઓ કટ્ટરપંથી ખેમાના ગણાય છે અને વ્યવસ્થાની પ્રત્યે અત્યંત વફાદાર માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં તેમની પકડ મજબૂત છે અને ખામેનેઈ સાથેના નજીકના સંબંધોને કારણે તેઓને સંક્રમણકાળમાં સ્થિરતા લાવનારા નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.

હાલમાં ઈરાન બાહ્ય દબાણ, આંતરિક અસ્થિરતા અને પ્રાદેશિક તણાવના જટિલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અરાફી માટે સૌથી મોટો પડકાર દેશની એકતા જાળવી રાખવાનો અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે રાજકીય સંતુલન સાધવાનો રહેશે. વિશ્વ સમુદાયની નજર હવે તેમની આગળની કાર્યવાહી પર ટકેલી છે. આગામી દિવસોમાં તેમની નીતિઓ અને નિર્ણયો ઈરાનની આંતરિક રાજનીતિ તેમજ મિડલ ઈસ્ટના શક્તિ સંતુલન પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

આ રીતે 1959માં જન્મેલા અને દાયકાઓ સુધી ધાર્મિક તેમજ રાજકીય માળખામાં કાર્યરત રહેલા અલીરેઝા અરાફી હવે ઈરાનના Interim Supreme Leader તરીકે દેશના ભવિષ્યને દિશા આપવાના કેન્દ્રમાં આવી ગયા છે.