Home Health
June 30, 2026

આ દેશી નુસખાથી મિનિટોમાં આવશે ઘસઘસાટ ઊંઘ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી 'બનાના ટી'

Paras Joshi

Author

Post Image

શું તમે પણ એવા લોકોમાં સામેલ છો, જેમને રાત્રે પથારીમાં ગયા પછી કલાકો સુધી ઊંઘ નથી આવતી? અથવા સવારે ઉઠ્યા પછી પણ શરીર થાકેલું અને આળસુ અનુભવે છે? આજકાલ માનસિક તણાવ, મોબાઈલનો અતિશય વપરાશ અને અનિયમિત દિનચર્યાના કારણે સારી અને શાંત ઊંઘ લેવી ઘણા લોકો માટે મુશ્કેલ બની ગઈ છે. આવા સમયમાં સોશિયલ મીડિયા પર એક દેશી અને સરળ ઘરેલું નુસખો ખૂબ જ ચર્ચામાં છે- 'કેળાનું ઉકાળેલું પાણી' (Banana Tea). ઘણા લોકોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલા આ ખાસ ડ્રિંક પીવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. આ જ કારણે તેને 'નેચરલ સ્લીપ ડ્રિંક' પણ કહેવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ આ ડ્રિંક બનાવવાની રીત અને તેનાથી શરીરને થતા ફાયદાઓ વિશે.

કેવી રીતે બનાવશો કેળાનું ઉકાળેલું પાણી?

જરૂરી સામગ્રી:

  • 1 પાકેલું કેળું
  • 1 થી 2 ગ્લાસ પાણી
  • સ્વાદ માટે 1 ચપટી તજ (Cinnamon) નો પાવડર

બનાવવાની રીત:

  • સૌથી પહેલા કેળાને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી તેના છોતરા પર લાગેલી ગંદકી સાફ થઈ જાય.
  • હવે કેળાના બંને છેડા કાપી લો અને તેને છોતરા ઉતાર્યા વગર જ નાના ટુકડાઓમાં કાપી લો. ખાસ ધ્યાન રાખો કે છોતરૂ હટાવવાનું નથી.
  • એક નાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં કેળાના ટુકડા ઉમેરો. હવે તેને ધીમી આંચ પર લગભગ 10-15 મિનિટ અથવા પાણીનો રંગ બદલાય ત્યાં સુધી ઉકળવા દો.
  • આ પછી પાણીને ગાળીને એક કપમાં કાઢી લો. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે તેમાં થોડો તજનો પાવડર પણ ઉમેરી શકો છો.
  • આ હેલ્ધી ડ્રિંકને રાત્રે સૂવાના લગભગ 1 કલાક પહેલા પીવો.

સવારે ઉઠ્યા પછી શરીરમાં શું ફેરફાર જોવા મળશે?

વધુ સારી ઊંઘ: કેળામાં 'ટ્રિપ્ટોફેન' (Tryptophan) નામનું તત્વ જોવા મળે છે. આપણું શરીર આ તત્વને એવા હોર્મોન્સમાં રૂપાંતરિત કરે છે, જે સ્લીપ સાયકલ (Sleep Cycle) ને નિયંત્રિત કરે છે. આનાથી રાત્રે ખૂબ જ સારી અને ગાઢ ઊંઘ આવે છે.

મસલ્સ રિલેક્સેશન: કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના સ્નાયુઓને આરામ આપે છે. આ ડ્રિંક પીવાથી રાત્રે પગમાં આવતી નસ કે જકડનની સમસ્યા ઓછી થઈ શકે છે.

બેસ્ટ હાઇડ્રેશન: કેળાનું ઉકાળેલું પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આનાથી સવારે ઉઠતી વખતે શરીરમાં પાણીની અછત કે સુસ્તી અનુભવાતી નથી.

આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન

આ નુસખા માટે હંમેશા તાજા અને સારી ક્વોલિટીના કેળાનો જ ઉપયોગ કરો. જો તમને કેળાની એલર્જી હોય, તો આ ડ્રિંકનું સેવન બિલકુલ ન કરવું. અત્રે નોંધનીય છે કે આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, તેને કોઈ બીમારીના ઈલાજ તરીકે ન ગણવી. જો તમને લાંબા સમયથી ઊંઘ ન આવવાની ગંભીર બીમારી (Insomnia) હોય, તો એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.