Home Astrology
February 16, 2026

જૈન શાસનનો ઐતિહાસિક દિવસ: બોરીવલીના ચીકુવાડી મેદાનમાં 64 મુમુક્ષુઓએ ધારણ કર્યો સંયમ માર્ગ

Paras Joshi

Author

Post Image

મુંબઈ મહાનગર જૈન શાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે તેવો એક મહત્વપૂર્ણ પ્રસંગનો સાક્ષી બન્યું. બોરીવલી પશ્ચિમ સ્થિત ચીકુવાડી મેદાનમાં આયોજિત ‘સંયમરંગ ઉત્સવ’ દરમિયાન 64 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. હજારો શ્રદ્ધાળુઓ અને સમાજજનની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ વિધિએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જાનો માહોલ સર્જ્યો.

વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. સવારે 4 વાગ્યાથી જ ભક્તો, પરિવારજનો અને દીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા આવેલા સમાજના આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. થોડા જ સમયમાં વિશાળ મેદાન માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું. અંદાજે 25 હજારથી વધુ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

આ મહોત્સવ શાંતિચંદ્રસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય સોમસુંદરસૂરિજી, આચાર્ય યોગતિલકસૂરિજી, આચાર્ય કુશલચંદ્રસૂરિજી અને આચાર્ય પુણ્યસુંદરસૂરિજી સહિત મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં યોજાયો. આચાર્ય ભગવંતોના આશીર્વાદ સાથે દીક્ષાર્થીઓએ સંયમ જીવનના કઠોર નિયમો સ્વીકાર્યા. સવારે લગભગ 9:30 વાગ્યે ‘રજોહરણ’ અર્પણ કરવાની વિધિ દરમિયાન સમગ્ર મેદાન “જૈનમ જયતી શાસનમ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

દીક્ષા વિધિ દરમિયાન અનેક પરિવારો માટે ભાવવિભોર ક્ષણો સર્જાઈ. પોતાના સંતાનો અને સ્વજનોને સંયમ જીવન તરફ આગળ વધતા જોઈને ગૌરવ સાથે વિયોગની લાગણી પણ અનુભવાઈ. છતાં પણ ધર્મપ્રત્યેની શ્રદ્ધા સર્વોપરી રહી.

મહોત્સવમાં ખાસ ધ્યાન ખેંચનાર ઘટના અધ્યાત્મ પરિવાર સાથે જોડાયેલા યુવા કાર્યકર ઋષભભાઈ અને તેમની ધર્મપત્ની સોનલબેનનો સંકલ્પ રહ્યો. બંનેએ યુવાનીની વયે સંસારિક જીવનનો ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્ય સ્વીકારતા ઉપસ્થિત લોકોમાં પ્રેરણા ફેલાઈ.

આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાએ હાજરી આપી દીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનોની ભાવનાને વંદન કર્યું. ઉપરાંત જૈન સમાજના અગ્રણી આગેવાનો, ટ્રસ્ટીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી અનુમોદના વ્યક્ત કરી.

ચીકુવાડી મેદાન અગાઉ પણ ઐતિહાસિક બની ચૂક્યું છે. લગભગ સાત વર્ષ પહેલાં અહીં 44 દીક્ષા યોજાઈ હતી. આજની 64 દીક્ષા સાથે એક જ ભૂમિ પર કુલ 108 દીક્ષા પૂર્ણ થવાનો નોંધપાત્ર આંકડો નોંધાયો છે.

આ આયોજનમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવાઈ હતી. હજારો લોકો માટેની ભોજન વ્યવસ્થામાં પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો સતત કાર્યરત રહ્યા.

દીક્ષા સ્વીકારનાર આ 64 સંયમીઓની ‘વડી દીક્ષા’ શ્રી શાંતિચંદ્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત આગામી 7 માર્ચે બોરીવલીમાં જ યોજાશે. ફરી એકવાર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gallery

1771262060 WhatsApp Image 2026 02 12 at 22.10.44 (2)
1771262060 WhatsApp Image 2026 02 12 at 22.10.44 (1)
1771262060 WhatsApp Image 2026 02 12 at 22.10.43