બદલાશે દુનિયાનો નકશો! UNમાં પ્રસ્તાવ પાસ, પણ વિદેશ મંત્રાલયે કહ્યું- 'ભારતની અખંડિતતા પર કોઈ સમાધાન નહીં'
Paras Joshi
Author
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની મહાસભામાં વિશ્વના નકશાને વધુ સચોટ અને વાસ્તવિક ક્ષેત્રફળ મુજબ દર્શાવવા માટે લાવવામાં આવેલા 'ઈક્વલ એરિયા મેપ પ્રોજેક્શન' (Equal Area Map Projection) પ્રસ્તાવને ભારતે સમર્થન આપ્યું છે. જોકે, આ સમર્થન સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે દેશની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા અંગે અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લડાખને ભારતના અધિકૃત નકશા મુજબ જ દર્શાવવા પડશે અને તેમાં કોઈપણ પ્રકારનો ગેરમાર્ગે દોરનારો ફેરફાર ભારતને મંજૂર રહેશે નહીં.
પ્રસ્તાવ માત્ર ક્ષેત્રફળના માપદંડ માટે, રાજકીય સીમાઓ માટે નહીં
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ રાજકીય નકશા કે આંતરરાષ્ટ્રીય સીમાઓના પુનઃનિર્ધારણ માટે નથી. તેનો મુખ્ય હેતુ માત્ર પૃથ્વી પરના જુદા જુદા મહાद्वीપો અને દેશોના જમીની વિસ્તારના વાસ્તવિક પ્રમાણને યોગ્ય રીતે દર્શાવવાનો છે. ભારતે પ્રસ્તાવના મૂળ સિદ્ધાંતનું સમર્થન કર્યું છે, પરંતુ પોતાની સરહદોની સુરક્ષા અને સાર્વભૌમત્વ બાબતે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં.
શા માટે વિશ્વના નકશાને બદલવાની જરૂર પડી?
હાલમાં વિશ્વભરમાં જે નકશાનો ઉપયોગ થાય છે તે 16મી સદીમાં (1569માં) યુરોપીયન નાવિકોની સુવિધા માટે બનાવાયેલો 'મર્કેટર મેપ' (Mercator Map) છે. યુરોપિયન દ્રષ્ટિકોણથી બનેલા આ નકશામાં વિષુવવૃત્ત (Equator) નજીકના દેશો તેમના મૂળ કદ કરતાં નાના દેખાય છે, જ્યારે ધ્રુવો (Poles) નજીકના દેશો કે પ્રદેશો ખુબ મોટા દેખાય છે. ઉદાહરણ તરીકે, હાલના નકશામાં આફ્રિકા મહાખંડ અને ગ્રીનલેન્ડ સમાન કદના દેખાય છે, જ્યારે વાસ્તવમાં આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં આશરે 14 ગણો મોટો છે.
164 દેશોનો ટેકો, યુએસએ નોંધાવ્યો વિરોધ
આ ભૌગોલિક વિસંગતતા દૂર કરવા માટે આફ્રિકી દેશ 'ટોગો' દ્વારા આફ્રિકન યુનિયનના 54 દેશોના સમર્થનથી UNમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. UNના કુલ 193 સભ્ય દેશોમાંથી ભારત સહિત 164 દેશોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. એસ્ટોનિયા, જોર્જિયા, લિથુઆનિયા, મોલ્દોવા, સર્બિયા અને યુક્રેન જેવા દેશો મતદાનથી દૂર રહ્યા હતા, જ્યારે અસમપ્રમાણતાના મુદ્દે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) એ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.