Home World
October 25, 2026

જો સમજદાર હશે તો હુમલો નહીં કરે, નહિતર...: ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો કડક પલટવાર, હોર્મુઝ પર પણ એલર્ટ

Paras Joshi

Author

Post Image

મિડલ ઈસ્ટમાં વ્યાપેલો ભયાનક તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી તરફથી એક અત્યંત ગંભીર ચેતવણી સામે આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળશે, તો ઈરાન તેનો વળતો જવાબ આપવામાં સહેજ પણ પાછળ નહીં હટે. આ સાથે જ અરાઘચી એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા હોર્મુઝની અંદરની વ્યવસ્થાઓ અને નિયમો હવે પહેલા જેવા રહેશે નહીં.

ઈરાનના વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે 40 દિવસના ભયાનક યુદ્ધ બાદ સમગ્ર વિસ્તારમાં મૂળભૂત અને રણનીતિક સ્તરે મોટા ફેરફારો આવી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે હોર્મુઝ દાયકાઓથી મુક્તપણે ખુલ્લું રહ્યું છે. ઈરાન અને ઓમાન, આ બંને દેશોમાંથી કોઈએ પણ ક્યારેય દરિયાઈ વાહનોની અવરજવરમાં કોઈ અડચણ કે અવરોધ ઊભો કર્યો નથી. બંને દેશો દ્વારા હંમેશા સુરક્ષા અને પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે. પરંતુ, વર્તમાન યુદ્ધ પરિસ્થિતિએ હવે બધું જ બદલીને રાખી દીધું છે.

અરાઘચી વધુમાં ઉમેર્યું કે, આપણે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે કે હવે નવા પરિબળો હાવિ થઈ રહ્યા છે. હોર્મુઝના માર્ગેથી વહાણોની અવરજવરનો રસ્તો હવે ભૂતકાળ જેવો રહેશે નહીં. એટલું જ નહીં, તેના સંચાલન અને સંભાળની પદ્ધતિઓમાં પણ વ્યાપક ફેરફારો કરવામાં આવશે. આ ગંભીર મુદ્દાઓ અંગે આપણા અને ઓમાન વચ્ચે વાટાઘાટો થઈ ચૂકી છે અને આ ચર્ચા આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

ત્રીજા હુમલાનું પરિણામ પણ અલગ નહીં હોય તેની ચેતવણી આપતા અરાઘચી જણાવ્યું કે યુદ્ધ શરૂ થાય કે ના થાય, ઈરાનની નીતિઓમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે આજકાલ વધુ એક યુદ્ધ શરૂ થવાની વાતો ચાલી રહી છે, પરંતુ હું અત્યારથી જ વિચારી રહ્યો છું કે આ યુદ્ધ પછીની સ્થિતિ કેવી હશે. યુદ્ધ થાય કે ના થાય, આપણી નીતિઓ યથાવત રહેશે. જો કોઈ બુદ્ધિશાળી હશે, તો તે ઈરાનના લોકો પર બીજો લશ્કરી હુમલો કે કોઈ વિરોધી પ્રવૃત્તિ કરવાની ભૂલ નહીં કરે. તેમણે (અમેરિકા-ઈઝરાયેલ) અગાઉ 2 વખત પ્રયાસ કરી જોયો છે અને તેના પરિણામો પણ જોઈ લીધા છે. હવે જો તેઓ વધુ 1 વખત પ્રયાસ કરવા માંગતા હોય તો તે તેમની મરજી છે, પરંતુ તેમને અગાઉના પ્રયાસો કરતાં કોઈ જુદું પરિણામ મળશે નહીં.

ઈરાનનું આ આક્રમક વલણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સામે 'એપિક ફ્યુરી' નામનું વધુ એક નાનું સૈન્ય અભિયાન ચલાવી શકે છે. જોકે, ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે 3 નવેમ્બરના રોજ યોજાનારી અમેરિકી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં કોઈ નવો હુમલો કરવામાં આવશે નહીં અને આ યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે.