બંગાળ TMC માં મોટો બળવો? મમતા બેનર્જીની બેઠકમાંથી 80 માંથી 60 ધારાસભ્યો ગાયબ
Paras Joshi
Author
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર બધું બરાબર ચાલી રહ્યું નથી. રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાને પક્ષના ધારાસભ્યોની એક અત્યંત મહત્વની બેઠક યોજાવાની હતી, પરંતુ આ બેઠકમાં જે જોવા મળ્યું તેનાથી સમગ્ર બંગાળના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી 60 જેટલા ધારાસભ્યો આ હાઈપ્રોફાઈલ મીટિંગમાં પહોંચ્યા જ નહોતા. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે આ ધારાસભ્યો ન આવ્યા, ત્યારે આખરે બેઠક રદ્દ કરવાની નોબત આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરહાજર રહેલા મોટાભાગના ધારાસભ્યોનો સંપર્ક પણ થઈ શકતો નથી, જેના કારણે ટીએમસીમાં મોટી ફૂટ પડવાની આશંકાઓ તેજ થઈ ગઈ છે.
ટીએમસીના આંતરિક સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, આ બેઠક પાર્ટીના વિધાનસભ્ય દળના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા મમતા બેનર્જીના આવાસ પર બોલાવવામાં આવી હતી. ધારાસભ્યોની આટલી મોટી ગેરહાજરી બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થતાં પાર્ટી તરફથી બચાવના ભાગરૂપે સફાઈ પેશ કરવામાં આવી હતી. પાર્ટીએ દાવો કર્યો છે કે હાલમાં જ પક્ષના વરિષ્ઠ નેતાઓ અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાના મામલામાં તમામ ધારાસભ્યો પોતપોતાના ક્ષેત્રોમાં વ્યસ્ત હતા અને આ જ કારણે તેઓ સમયસર મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહી શક્યા નહોતા.
ચૂંટણીમાં કારમી હાર બાદ ભભૂક્યો આક્રોશ, મમતા પોતે પણ હારી ગયા
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીના પક્ષને સત્તા ગુમાવવી પડી છે અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરતા કુલ 208 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે, જ્યારે સત્તાધારી ટીએમસી માત્ર 80 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. એટલું જ નહીં, ખુદ મમતા બેનર્જી પણ પોતાની પરંપરાગત ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. આ શરમજનક પરાજય બાદ પક્ષની અંદર જ મમતા બેનર્જી અને પૂર્વ સરકારના નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો શરૂ થઈ ગયો છે.
આ અગાઉ 6 મે ના રોજ પણ મમતા બેનર્જીએ હારની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી, જેમાં પણ આશરે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. ત્યારે પણ પક્ષે એવું કહીને બચાવ કર્યો હતો કે તે ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં ચાલી રહેલી અશાંતિને કાબૂમાં લેવા માટે ત્યાં જ રોકાઈ રહેવા જણાવાયું હતું.
પ્રવક્તાઓ અને સાંસદોના રાજીનામાની ઝડી, પક્ષમાંથી પણ હકાલપટ્ટી
ટીએમસીની અંદર ચાલી રહેલો આ આંતરિક કલહ માત્ર ધારાસભ્યો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાંસદો અને પક્ષના પદાધિકારીઓ પણ ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે. ટીએમસીના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષે પોતાની નારાજગી વ્યક્ત કરતા બારાસાત જિલ્લા અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને પોતાની જ પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
બીજી તરફ, ચૂંટણી હાર્યા બાદ તરત જ પક્ષના ફાયરબ્રાન્ડ પ્રવક્તા રીજુ દત્તાએ પણ મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પક્ષમાંથી બહાર નીકળ્યા બાદ દત્તાએ હવે મમતા અને અભિષેક બેનર્જી વિરુદ્ધ ખુલ્લેઆમ યુદ્ધ છેડી દીધું છે. આ સિવાય પક્ષના અન્ય બે જાણીતા પ્રવક્તાઓ શાંતનુ સેન અને અરૂપ ચક્રવર્તીએ પણ પોતાના પદ પરથી રાજીનામા આપી દેતા તૃણમૂલ કોંગ્રેસ અત્યારે પશ્ચિમ બંગાળમાં તેના સૌથી મોટા રાજકીય કટોકટીના સમયગાળામાંથી પસાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.