Paras Joshi
Author
ભારતીય રાજનીતિમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા યુવા અને ચર્ચિત નેતા રાઘવ ચઢ્ઢા માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે સામેલ થયાના ગણતરીના દિવસોમાં જ કેન્દ્રીય નેતૃત્વ અને સંસદીય બોર્ડ દ્વારા તેમને એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને હવે ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભાની શક્તિશાળી 'અરજી સમિતિ'ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર અધિસૂચના (Notification) મુજબ, સંસદના ઉપલા ગૃહના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આ વિશેષ સમિતિનું પુનર્ગઠન કર્યું છે, જે ગત 20 May થી સત્તાવાર રીતે પ્રભાવી થઈ ગયું છે. સભાપતિએ આ કમિટીની પુનઃરચના કરીને ગૃહના કુલ 10 વરિષ્ઠ સભ્યોને આ પ્રતિષ્ઠિત પેનલ માટે નામાંકિત કર્યા છે.
રાજ્યસભામાં નાગરિકોની અરજીઓ અને જાહેર હિતના મુદ્દાઓની સુનાવણી કરતી આ સમિતિમાં અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા ઉપરાંત દેશના વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે. આ પેનલના સભ્યોમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીધા, જેબી માથેર હિશામ, સુભાષીષ ખુંટિયા, રંગવ્રા નાર્ઝારી અને સંતોષ કુમાર પી. નો સમાવેશ થાય છે. આ સાથે જ, અન્ય એક કાનૂની અને સંસદીય જાહેરાતમાં રાજ્યસભા સચિવાલયે જણાવ્યું છે કે ગૃહના સભાપતિએ 20 May 2026 ના રોજ રાજ્યસભાના વિદ્વાન સભ્ય ડૉ. મેનકા ગુરુસ્વામીને કોર્પોરેટ કાયદા (સુધારો) વિધેયક, 2026 પર બનેલી સંસદની સંયુક્ત સમિતિ (Joint Committee) ના સભ્ય તરીકે પણ નિયુક્ત કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યો અને અરવિંદ કેજરીવાલના અત્યંત નજીકના સાથી ગણાતા રાઘવ ચઢ્ઢાએ વિતેલા દિવસોમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. તેમણે ‘આપ’ ના અન્ય 6 રાજ્યસભા સાંસદો સાથે મળીને પાર્ટીને અલવિદા કહી દીધું હતું. આ તમામ 7 સાંસદોએ ગત 27 April ના રોજ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું હતું. આ અણધાર્યા પલટાના કારણે રાજ્યસભામાં અગાઉ 10 સાંસદોનું સંખ્યાબળ ધરાવતી આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે અને સદનમાં હવે તેના માત્ર 3 સાંસદો જ બચ્યા છે.
આ અસાધારણ રાજકીય બળવા અને પક્ષપલટા બાદ ગુસ્સે ભરાયેલી આમ આદમી પાર્ટીએ કાનૂની મોરચે લડત શરૂ કરી હતી. ‘આપ’ નેતૃત્વએ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન સમક્ષ લેખિત રજૂઆત કરીને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ભાજપમાં જોડાનારા તમામ બળવાખોર સાંસદોને તાત્કાલિક અયોગ્ય ઠેરવીને સંસદમાંથી બરખાસ્ત કરવાની ઉગ્ર માંગ કરી હતી. ભાજપમાં જોડાનારા સાંસદોની યાદીમાં રાઘવ ચઢ્ઢા ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજીન્દર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહની જેવા હાઈપ્રોફાઈલ નામો સામેલ છે.