PM પદની રેસમાં થલપતિ વિજયની એન્ટ્રી: નવા સર્વેથી રાહુલ ગાંધીની વધી ચિંતા
Paras Joshi
Author
સાઉથ સિનેમાના સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા અને તમિલગા વેત્રી કઝગમ (TVK) ના સ્થાપક સી. જોસેફ વિજયે રાષ્ટ્રીય રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાને હજુ માંડ બે વર્ષ જેટલો સમય થયો છે, ત્યાં જ એક તાજેતરના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં દેશના આગામી વડાપ્રધાન પદના દાવેદારોમાં થલપતિ વિજયનું નામ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ નવા રાજકીય સમીકરણોથી કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનની ચિંતામાં મોટો વધારો થયો છે.
ઈન્ડિયા ટુડે-CVoter ના ઓગસ્ટ 2026 ના 'મૂડ ઓફ ધ નેશન' (MOTN) સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48.7 ટકા લોકપ્રિયતા સાથે દેશના સૌથી પસંદગીના પીએમ ઉમેદવાર તરીકે પ્રથમ ક્રમે યથાવત છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 27.1 ટકા સમર્થન સાથે બીજા સ્થાને છે. જોકે, સૌથી વધુ ચોંકાવનારો આંકડો તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયનો છે, જેમને 9.2 ટકા લોકોએ દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કોણે કરવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં પણ વિજયે 12.2 ટકા સમર્થન મેળવીને બીજા ક્રમનું સ્થાન હાસલ કર્યું છે. આ મામલે તેમણે મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા અનુભવી રાષ્ટ્રીય નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. 2024માં જ પોતાની રાજકીય પાર્ટી બનાવનાર વિજયની આટલી ઝડપી રાષ્ટ્રીય ઓળખ રાજકીય વિશ્લેષકો માટે પણ આશ્ચર્યજનક છે.
આ સર્વેના પરિણામો બહાર આવ્યા બાદ થૂથુકુડી સહિત તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં TVK કાર્યકર્તાઓએ વિજયને 2029 ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બતાવતા પોસ્ટરો લગાવી દીધા છે. દક્ષિણ ભારતમાંથી પીએમ બનાવવાની માંગ પણ તેજ થઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસે આ દાવેદારીને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે 2029 માં રાહુલ ગાંધી જ વિપક્ષનો મુખ્ય ચહેરો રહેશે.