Home Sports
August 25, 2026

કોલંબોમાં મેદાન પર બબાલ યશસ્વી જયસ્વાલને પડી ભારે: ICC એ ફટકાર્યો ભારે દંડ

Paras Joshi

Author

Post Image

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે મેદાન પર તીખી બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘટના પર તાત્કાલિક પગલાં લેતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બંને ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરી છે અને તેમની મેચ ફીનો મોટો હિસ્સો દંડ પેટે કાપી લીધો છે.

આઈસીસીના કયા નિયમનો ભંગ થયો?

આઈસીસીએ યશસ્વી જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડોને 'કોડ ઓફ કંડક્ટ' ના આર્ટિકલ 2.12 ના ઉલ્લંઘનના દોષી ઠેરવ્યા છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર કે મેચ રેફરી સાથે અયોગ્ય શારીરિક સંપર્ક (Physical Contact) કરવા સાથે સંબંધિત છે. આઈસીસીએ કાર્યવાહી કરતા બંને ખેલાડીઓ પર તેમની મેચ ફીના 25 ટકાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત, બંનેના ખાતામાં 1-1 ડિમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે બંને ખેલાડીઓ પર કોઈ બેન (પ્રતિબંધ) લાદવામાં આવ્યો નથી, કારણ કે છેલ્લા 24 મહિનામાં બંને તરફથી આ પહેલી ભૂલ હતી. બંને ખેલાડીઓએ પોતાની ભૂલ અને સજાનો સ્વીકાર કરી લીધો હોવાથી આગળ કોઈ સત્તાવાર સુનાવણી થશે નહીં.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના ભારતીય ઇનિંગ્સની 17મી ઓવર દરમિયાન ઘટી હતી. શ્રીલંકન ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોના સતત 3 ચોગ્ગા ખાધા બાદ, ઓવરના છેલ્લા બોલ પર અસિથાએ યશસ્વીને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે સમયે યશસ્વી 53 બોલમાં 35 રન બનાવીને પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે જ અસિથા ફર્નાન્ડોએ તેને જોઈને કંઈક ટિપ્પણી કરી હતી, જેથી ઉશ્કેરાઈને યશસ્વી પાછળ ફર્યો હતો અને બંને ખેલાડીઓ વચ્ચે તીખી અડપલો થઈ હતી. આ દરમિયાન યશસ્વીએ પોતાનું માથું અસિથાના માથા સાથે પણ ભટકાવ્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા.