Home World
January 13, 2026

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, 25 દિવસમાં 8મી હત્યા, સરકારની ભૂમિકા પર સવાલ ઊભા થયા

Paras Joshi

Author

Post Image

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુ સમુદાય સામે હિંસાનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરની ઘટનામાં ફેની જિલ્લામાં 28 વર્ષના હિંદુ યુવક સમીર કુમાર દાસની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓએ સમીરની હત્યા કર્યા બાદ તેનું ઓટો રિક્ષા પણ લૂંટી લીધું. આ ઘટનાએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે.

સ્થાનિક સૂત્રો મુજબ, સમીર કુમાર દાસ રોજની જેમ ઓટો રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને નિશાન બનાવવામાં આવ્યો. હુમલાખોરો અત્યંત ક્રૂર રીતે તેની હત્યા કરી અને ત્યારબાદ ઓટો રિક્ષા લઈને ફરાર થઈ ગયા. ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે, જેને કારણે સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ છે.

આ ઘટના માત્ર એકલવાયી નથી. બાંગ્લાદેશમાં છેલ્લા 25 દિવસમાં હિંદુ સમુદાયના ઓછામાં ઓછા 8 લોકોની હત્યા થઈ ચૂકી છે. થોડા દિવસ પહેલા સુનામગંજ જિલ્લામાં જૉય મહાપાત્રો નામના એક હિંદુ યુવકનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે એક સ્થાનિક વ્યક્તિએ પહેલા તેને બેરહેમીથી માર્યો અને બાદમાં ઝેર આપી દીધું, જેના કારણે તેની મોત થઈ.

ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલી આ હિંસાની લહેરે સમગ્ર દેશના હિંદુઓને ભયભીત કરી દીધા છે. 18 ડિસેમ્બરે મયમંસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં દીપુ ચંદ્ર દાસની કટ્ટરપંથી ભીડ દ્વારા પીટ-પીટીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના માત્ર છ દિવસ બાદ, 24 ડિસેમ્બરે અમૃત મંડલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બંને ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો.

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે 12 ડિસેમ્બર 2025ના રોજ ઢાકામાં ઇંકલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને ગોળી મારી દેવામાં આવી. તેમને ગંભીર હાલતમાં સિંગાપુર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આ ઘટનાને બાદ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.