ટ્રમ્પ ટેરિફ પર આજે પણ નહીં આવે ચુકાદો, US સુપ્રીમ કોર્ટમાં બીજી વાર ટળી સુનાવણી
Paras Joshi
Author
અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફને લઈને ચાલી રહેલા મહત્વના કેસમાં આજે પણ કોઈ નિર્ણય આવ્યો નથી. કોર્ટ દ્વારા બીજી વાર આ મુદ્દે ચુકાદો ટાળવામાં આવ્યો છે, જેના કારણે દેશની વેપાર નીતિ, કાનૂની માળખું અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ યથાવત રહ્યું છે. આ પહેલા પણ 9 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસ પર કોઈ સ્પષ્ટ ચુકાદો આપવાનું ટાળ્યું હતું.
આજની કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે અન્ય ત્રણ કેસોમાં ચુકાદા આપ્યા હતા, પરંતુ ટ્રમ્પના ટેરિફ સંબંધિત કેસ પર ન તો કોઈ ચર્ચા થઈ અને ન જ એ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો કે આગામી સુનાવણી ક્યારે થશે અથવા અંતિમ નિર્ણય ક્યારે આવી શકે. કોર્ટની આ મૌન સ્થિતિને કારણે ઉદ્યોગજગત, રોકાણકારો અને રાજ્ય સરકારોમાં ચિંતા વધી રહી છે.
આ કેસનું કેન્દ્રબિંદુ એ છે કે શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંવિધાનિક અને કાનૂની અધિકારોની મર્યાદા ઓળંગીને એકતરફી રીતે મોટા ભાગના અમેરિકન વેપારિક ભાગીદારો પર 10 ટકાથી લઈને 50 ટકા સુધીના ટેરિફ લગાવ્યા હતા કે નહીં. ટ્રંપ સરકારનું કહેવું છે કે આ પગલાં માટે તેણે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કર્યો હતો અને અમેરિકાના વેપાર ઘાટા તેમજ ફેન્ટેનાઇલ જેવી ગેરકાયદેસર ડ્રગ્સની તસ્કરીને રાષ્ટ્રીય આપાતકાલ તરીકે ગણાવી હતી.