Home Politics
May 10, 2026

ભાજપની વિજયકૂચનો નવો અધ્યાય: 9 રાજ્યોમાં પહેલીવાર બન્યા ભાજપના મુખ્યમંત્રી

Paras Joshi

Author

Post Image

ભારતીય રાજનીતિના ઈતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ભાજપ માટે એક એવો વળાંક સાબિત થયું છે જ્યાંથી પાર્ટીની વિજયકૂચ અવિરત ચાલુ રહી છે. 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીના કરિશ્માઈ નેતૃત્વમાં ભાજપે એવા 9 રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે જ્યાં અગાઉ ક્યારેય ભાજપના મુખ્યમંત્રી નહોતા. આ યાદીમાં હવે પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થયો છે, જ્યાં દાયકાઓથી પાર્ટી સત્તાથી દૂર હતી.

પશ્ચિમ બંગાળમાં 'કમળ'નું ઐતિહાસિક આગમન

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં નવો અધ્યાય લખી દીધો છે. મમતા બેનર્જીના 15 વર્ષ જૂના શાસનનો અંત આણીને ભાજપે ૨૯૪ બેઠકોવાળી વિધાનસભામાં 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે રાષ્ટ્રવાદ, વિકાસ અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. પરિણામે, શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે.

હરિયાણા અને મહારાષ્ટ્રથી થઈ શરૂઆત

ભાજપના આ રાજકીય વિસ્તારની સફર 2014માં હરિયાણા અને મહારાષ્ટ્રથી શરૂ થઈ હતી. હરિયાણામાં પહેલીવાર પોતાના દમ પર બહુમતી મેળવી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા. એ જ રીતે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલા ભાજપે મહાયુતિ ગઠબંધન સાથે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનાવ્યા.

પૂર્વોત્તર ભારતમાં ભાજપનો ઉદય

2016માં અસમમાં સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં પહેલીવાર ભાજપની સરકાર બની, જે પૂર્વોત્તરમાં પાર્ટીની સૌથી મોટી જીત હતી. ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં સ્થિર સરકાર બની. 2017માં મણિપુરમાં એન. બિરેન સિંઘ અને ૨૦૧૮માં ત્રિપુરામાં બિપ્લબ કુમાર દેબે સત્તા સંભાળીને વામપંથના ગઢને તોડી પાડ્યો હતો.

ઓડિશા અને બિહારમાં પરિવર્તન

2024માં ઓડિશામાં નવીન પટનાયકના ૨૪ વર્ષના શાસનને ઉથલાવી મોહન ચરણ માઝી રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બન્યા. જ્યારે બિહારમાં ૨૦૨૬માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો. નીતીશ કુમાર રાજ્યસભામાં ગયા બાદ ભાજપે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવીને બિહારની કમાન પ્રથમ વખત પોતાના હાથમાં લીધી. આમ, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત એવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે જેની કલ્પના આઝાદી બાદ ક્યારેય થઈ નહોતી.