Home Sports
July 02, 2026

T20I રેન્કિંગમાં મોટો ઉલટફેર: ઈશાન કિશન બન્યો વિશ્વનો નંબર-1 બેટ્સમેન, 6 મહિનામાં જ છીનવ્યો અભિષેક શર્માનો તાજ

Paras Joshi

Author

Post Image

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા Wednesday ના રોજ પુરુષ ટી20 ખેલાડીઓની તાજી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં બેટ્સમેનોની યાદીમાં મોટો તખ્તાપલટો થયો છે. ભારતના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) હવે વિશ્વના નવા નંબર-1 ટી20 બેટ્સમેન બની ગયા છે. તેમણે એક સ્થાનની છલાંગ લગાવીને પોતાના જ સાથી ખેલાડી અભિષેક શર્મા પાસેથી નંબર-1 નો તાજ છીનવી લીધો છે. હાલમાં ઈશાન કિશનના ખાતામાં 876 રેટિંગ પોઈન્ટ્સ છે, જ્યારે અભિષેક શર્મા 869 અંકો સાથે બીજા સ્થાને સરકી ગયો છે. ભારતીય ઓપનર અભિષેક શર્મા લગભગ 12 મહિનાથી આ યાદીમાં ટોચ પર હતો, પરંતુ ઈશાન કિશને માત્ર 6 મહિનાની અંદર જ તેનું સિંહાસન હલાવી દીધું છે.

ઈશાન કિશને જાન્યુઆરીમાં કરી હતી વાપસી

વાસ્તવમાં, ઈશાન કિશન લગભગ 2 વર્ષ સુધી ભારતીય ટીમથી બહાર રહ્યા બાદ આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. પુનરાગમન બાદ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જો કે તાજેતરમાં પૂરી થયેલી આયર્લેન્ડ પ્રવાસની શ્રેણીમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, જ્યાં તેણે એક મેચમાં 1 રન અને બીજી મેચમાં 12 રનનો સ્કોર કર્યો હતો. બીજી તરફ, અભિષેક શર્માએ આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 49 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બીજી મેચમાં તે ગોલ્ડન ડક (ઝીરો રન) નો શિકાર બન્યો હતો. નોંધનીય છે કે, આ ટી20 શ્રેણીમાં ભારતને આયર્લેન્ડ સામે 0-2 થી ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો.

ઈશાન કિશને ખાસ ક્લબમાં મેળવી એન્ટ્રી

આ સિદ્ધિ સાથે ઈશાન કિશને એક ખાસ એલિટ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે T20I બેટર્સની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચનારો ભારતનો ચોથો પુરુષ ક્રિકેટર બન્યો છે. ઈશાન અને અભિષેક ઉપરાંત વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જ આ કારનામું કરી શક્યા છે. જો કે, સૂર્યકુમાર યાદવ હવે ભારતીય ટીમમાંથી બહાર છે અને તેમની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી છે, જેના કારણે તેઓ એક સ્થાન નીચે ઉતરીને 8મા ક્રમે પહોંચી ગયા છે. આઈસીસીના ટોપ-10 બેટ્સમેનોમાં 4 ભારતીય ખેલાડીઓ સામેલ છે, જેમાં તિલક વર્મા 6ઠા સ્થાન પર યથાવત છે, જેમણે બીજી ટી20 મેચમાં અડધી સદી ફટકારી હતી. આ લિસ્ટમાં પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન 3જા નંબરે છે.

ઓલરાઉન્ડર શિવમ દુબે અને આયર્લેન્ડના ખેલાડીઓનો ફાયદો

આયર્લેન્ડના કેપ્ટન અને બેટ્સમેન લોરકન ટકર (4 સ્થાનના સુધારા સાથે 77મા) અને રોસ અડાયર (6 સ્થાનની છલાંગ સાથે 84મા) એ ભારત સામેના સારા પ્રદર્શનના જોરે રેન્કિંગમાં સુધારો કર્યો છે. આયર્લેન્ડના ફાસ્ટ બોલર મેથ્યુ હમ્ફ્રીઝે આ સિરીઝમાં કુલ 4 વિકેટ ઝડપી હતી, જેના કારણે તે 1 સ્થાન ઉપર ચઢીને 25મા ક્રમે પહોંચી ગયો છે, જે તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. હાલમાં અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન નંબર-1 ટી20 બોલર છે.

ઓલરાઉન્ડરોની અપડેટેડ યાદીમાં ભારતના શિવમ દુબે (Shivam Dube) 3 સ્થાન આગળ વધીને 7મા નંબરે પહોંચી ગયા છે. જ્યારે આયર્લેન્ડના ગેરેથ ડેલાની 4 સ્થાનના ફાયદા સાથે 24મા અને હેરી ટેક્ટર 8 સ્થાનની છલાંગ લગાવીને 38મા ક્રમે પહોંચ્યા છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા વિશ્વનો નંબર-1 ટી20 ઓલરાઉન્ડર બનેલો છે.