Home Sports
April 16, 2026

જીતેશ શર્મા ફસાયો વિવાદમાં! બેંગ્લોરની જીત વચ્ચે મોબાઈલ ફોનના ઉપયોગના આરોપે મચાવી સનસનાટી

Author

Post Image

આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમિયાન આરસીબીના ખેલાડી જીતેશ શર્મા પર મોબાઈલ ફોન વાપરવાનો આરોપ લાગ્યો છે. મેચ ચાલુ હતી તે દરમિયાન જીતેશના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે સ્ટોરી પોસ્ટ કરવામાં આવી હતી, જેણે બીસીસીઆઈ (BCCI) અને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આઈપીએલના એન્ટી કરપ્શન નિયમો મુજબ મેચ દરમિયાન ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ કે મેદાન પર ફોનનો ઉપયોગ કરી શકતા નથી. હવે બીસીસીઆઈ આ મામલે તપાસ કરી રહી છે અને જો જીતેશ દોષી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે લખનૌ સામેની મેચમાં જીતેશ શર્માએ માત્ર 9 બોલમાં 23 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જોકે, જ્યારે મેચ હજુ ચાલુ જ હતી, ત્યારે જ જીતેશ શર્માના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બે સ્ટોરી શેર કરવામાં આવી હતી. આ સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે ક્રિકેટ વર્તુળોમાં પ્રશ્નો ઊભા થયા છે કે મેચ દરમિયાન ખેલાડી પાસે મોબાઈલ ફોન કેવી રીતે હોઈ શકે? આઈપીએલના પ્રોટોકોલ મુજબ, મેચ શરૂ થતા પહેલા ખેલાડીઓએ પોતાના મોબાઈલ ફોન એન્ટી કરપ્શન યુનિટ (ACU) પાસે જમા કરાવવા પડે છે અને મેચ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી.

બીસીસીઆઈ અત્યારે એ તપાસી રહ્યું છે કે શું આ પોસ્ટ જીતેશ શર્માએ પોતે કરી હતી કે તેના સોશિયલ મીડિયા મેનેજર અથવા પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય રીતે મોટા ખેલાડીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમની પીઆર ટીમ દ્વારા સંચાલિત થતા હોય છે, પરંતુ મેચ દરમિયાન લાઈવ અપડેટ્સ જેવી પોસ્ટ મૂકવી એ ઘણીવાર ગેરસમજ અને વિવાદનું કારણ બને છે. જો જીતેશે પોતે ફોનનો ઉપયોગ કર્યો હોવાનું સાબિત થશે, તો તેને ભારે દંડ અથવા મેચ સસ્પેન્શન જેવી સજા ભોગવવી પડી શકે છે.

આરસીબી મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. જીતેશ શર્માની વર્તમાન ફોર્મ પણ ચિંતાનો વિષય છે, કારણ કે તે સતત રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે અને આવા સમયે આ પ્રકારનો વિવાદ તેની કારકિર્દી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અગાઉ રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડરને પણ ડગઆઉટમાં ફોન વાપરવા બદલ બીસીસીઆઈ દ્વારા 'કારણ બતાવો' નોટિસ ફટકારવામાં આવી હતી, જે બાદ બોર્ડ આ બાબતે અત્યંત સજાગ છે.

ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ અનિવાર્ય છે. ડ્રેસિંગ રૂમ કે ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ સટ્ટાબાજી કે મેચ ફિક્સિંગ જેવી આશંકાઓને જન્મ આપી શકે છે. હવે જોવાનું એ રહેશે કે બીસીસીઆઈની તપાસમાં શું બહાર આવે છે. શું જીતેશ શર્માની સોશિયલ મીડિયા ટીમે આ ભૂલ કરી છે કે પછી ખરેખર ખેલાડીએ નિયમોની અવગણના કરી છે? આ વિવાદે આઈપીએની ગરિમા પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે.