Home Entertainment
August 26, 2026

અજય દેવગનને સુપરસ્ટાર બનાવનાર દિગ્ગજ ડિરેક્ટરનું નિધન, બોલિવૂડમાં શોકની લહેર

Author

Post Image

હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90ના દાયકાના સફળ અને જાણીતા ફિલ્મમેકર કુકુ કોહલીનું 77 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. વર્ષ 1991માં આવેલી સુપરહિટ ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' દ્વારા અજય દેવગનને બોલિવૂડમાં મોટો બ્રેક આપનાર કુકુ કોહલીએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.

હૃદયરોગના હુમલાને કારણે નિધન

કુકુ કોહલીની પત્ની અને દાદીગજ અભિનેત્રી અરૂણા ઈરાનીના ભાઈ બલરાજ ઈરાનીએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કુકુ કોહલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હોવાથી તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હૃદયમાં બ્લોકેજ જણાતા તેમની સ્ટેન્ટ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ સ્વસ્થ લાગી રહ્યા હતા અને પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા, પરંતુ અચાનક આવેલ તીવ્ર હાર્ટ અટેકના કારણે તેઓ ઢળી પડ્યા હતા. તેમના આકસ્મિક અવસાનથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના ઓશિવરા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

અરૂણા ઈરાની સાથે થયા હતા લગ્ન

કુકુ કોહલીએ બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ અરૂણા ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તેમને અરૂણા ઈરાનીથી કોઈ સંતાન નથી, પરંતુ પ્રથમ પત્ની રીતા કોહલીથી તેમને બે પુત્રીઓ - પૂજા અને કરિશ્મા કોહલી છે. અંગત જીવનને લાઇમલાઇટથી દૂર રાખનારા કુકુ કોહલીએ પોતાની ખાસ ઓળખ પોતાની ફિલ્મો દ્વારા બનાવી હતી.

અજય દેવગનના કરિયરને આપી હતી નવી દિશા

હિન્દી સિનેમામાં કુકુ કોહલીનું નામ ખાસ કરીને અજય દેવગનના કરિયર સાથે જોડાયેલું છે. 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'નું નિર્દેશન કુકુ કોહલીએ જ કર્યું હતું. આ ફિલ્મથી અજય દેવગને બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને રાતોરાત સ્ટાર બની ગયા. પોતાના ત્રણ દાયકાથી પણ વધુ લાંબા કરિયરમાં તેમણે હિન્દી સિનેમાને ઘણી યાદગાર ફિલ્મો આપી. જેમાં 'ફૂલ ઔર કાંટે', 'સુહાગ', 'હકીકત', 'જુલ્મી', 'અનાડી નંબર 1' અને 'યે દિલ આશિકાના' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની નિર્દેશક તરીકેની છેલ્લી ફિલ્મ 'વો તેરા નામ થા' હતી. તેમના નિધનથી 90ના દાયકાના સિનેમામાં મહત્વનું યોગદાન આપનાર એક મહાન દિગ્દર્શક ઈન્ડસ્ટ્રીએ ગુમાવ્યા છે.