Home Entertainment
September 03, 2026

સ્વરા ભાસ્કર ફરી વિવાદોના વટોળમાં: 'પદ્માવત' અને 'જૌહર' પર નિવેદન આપતા વિરોધ ઘેરો બન્યો, પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

Paras Joshi

Author

Post Image

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના નિવેદનોના કારણે ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. સંજય લીલા ભણસાલીની સુપરહિત ફિલ્મ 'પદ્માવત' ના ચર્ચિત 'જૌહર' સીન અને ક્ષત્રિય મહિલાઓ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સ્વરા ભાસ્કર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કરણી સેનાની ધમકી બાદ હવે આ કેસમાં કાનૂની કાર્યવાહીની માંગ ઉઠતા સોશિયલ મીડિયાથી લઈને બોલીવુડ સુધી ખળભળાટ મચી ગયો છે.

બિહારના પટનામાં કાનૂની ફરિયાદ

બિહાર ભાજપ પ્રદેશ કાર્યકારી સમિતિના સભ્ય કૃષ્ણ સિંહ કલ્લુએ પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં સ્વરા ભાસ્કર સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, સ્વરાએ એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય અને વીરાંગના મહિલાઓ વિશે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ અને મહિલાઓની લાગણીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ સ્વીકારીને આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

સ્વરા ભાસ્કરે વીડિયો જાહેર કરી આપી સ્પષ્ટતા

વિવાદ વધતાં અને વીડિયો વાયરલ થતાં જ સ્વરા ભાસ્કરે એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની સફાઈ આપી હતી. સ્વરાએ જણાવ્યું હતું કે, "એક ઇવેન્ટમાં મને પૂછવામાં આવ્યું હતું કે મેં 'પદ્માવત' ફિલ્મ પર ઓપન લેટર કેમ લખ્યો હતો. તેનો જવાબ આપતી વખતે મારી વાતને ખોટી રીતે ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એવો જૂઠો પ્રચાર કરાઈ રહ્યો છે કે મેં રાણી પદ્માવતી અને જૌહર કરનારી મહિલાઓને કાયર કહી હતી. મારો એવો કોઈ આશય નહોતો."

સ્વરાએ પોતાની વાત પર સ્પષ્ટતા કરી હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમને ઉગ્ર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને આ કેસમાં કડક કાનૂની કાર્યવાહીની માંગણી બુલંદ બની રહી છે.