Paras Joshi
Author
ખાંડની સાથે હવે ડુંગળીના ભાવ પણ સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યા છે. શાકભાજી માર્કેટમાં ડુંગળી હાલ સરેરાશ 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જે ગત વર્ષની સરખામણીએ 45 ટકા વધુ છે. માત્ર છેલ્લા 30 દિવસના સમયગાળામાં જ ડુંગળીના ભાવમાં 19 ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે. દિલ્હી, કોચી અને ચેન્નઈ જેવા દેશના મોટા શહેરોમાં ડુંગળીનો રેટ સરેરાશ કરતા પણ ઘણો ઊંચો પહોંચી ગયો છે. બજારમાં અચાનક આવેલા આ ઉછાળાને કાબૂમાં લેવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે મહારાષ્ટ્રના નાસિકથી 'કાંદા એક્સપ્રેસ' ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કયા શહેરમાં કેટલો છે ડુંગળીનો ભાવ?
સરકારી આંકડા મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ વધીને 65 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જે એક વર્ષ પહેલાં માત્ર 35 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાતી હતી. ચેન્નઈમાં ડુંગળીનો ભાવ 33 રૂપિયાથી સીધો વધીને 58 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત કેરળ અને અસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ, વધતા ભાવોને કાબૂમાં લેવા સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે અને સામાન્ય જનતાને વાજબી ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે કેટલાક વેપારીઓ કૃત્રિમ અછત ઊભી કરીને વધુ નફો કમાવા માટે જાણીજોઈને મોંઘા ભાવે ડુંગળી વેચી રહ્યા છે, જેના કારણે કિંમતો વધી રહી છે.
દેશમાં કેટલો છે ડુંગળીનો સ્ટોક?
મળતી માહિતી અનુસાર, આગામી મહિનાઓમાં ડુંગળીની સ્થાનિક જરૂરિયાત અને પુરવઠો પૂરો કરવા માટે સરકાર અને ખેડૂતો પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશમાં ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં આ વર્ષે ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5% થી 7% સુધીનો ઘટાડો થવાની આશંકા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ કૃષિ મંત્રાલયે અંદાજ લગાવ્યો છે કે વર્ષ 2025-26 ના પાક વર્ષ (જુલાઈ-જૂન) માં ડુંગળીનું કુલ ઉત્પાદન વર્ષ 2024-25 ની સરખામણીએ લગભગ બરાબર રહેશે, એટલે કે કુલ ઉત્પાદન 307 લાખ ટન સુધી રહેવાની શક્યતા છે.