Home Business
August 25, 2026

UPI ના સફળતાના 10 વર્ષ: 13,000 ગણા ગ્રોથ સાથે ભારતે ડિજિટલ પેમેન્ટ્સમાં વિશ્વમાં વગાડ્યો ડંકો

Paras Joshi

Author

Post Image

ભારતમાં નાણાકીય લેવડદેવડના સ્વરૂપને અમૂલચૂલ બદલી નાખનાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ આજે તેની સફળ સફરના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ શરૂ થયેલી આ ડિજિટલ ક્રાંતિએ વિતેલા દાયકામાં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ૧૩,૦૦૦ ગણો ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો છે. એક સમય હતો જ્યારે લોકો રોકડ રકમ વગર ઘરની બહાર નીકળતા ડરતા હતા, પરંતુ આજે નાના શાકભાજીના લારીવાળાથી લઈને મોટા શોપિંગ મોલ્સ સુધી દરેક જગ્યાએ UPI QR કોડ ડિજિટલ ભારતની ઓળખ બની ગયો છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દેખરેખ હેઠળ વિકસાવવામાં આવેલ આ સિસ્ટમમાં શરૂઆતમાં માત્ર ૪૪ બેંકો જોડાયેલી હતી, જ્યારે જુલાઈ ૨૦૨૬ના આંકડા મુજબ આ સંખ્યા વધીને ૭૪૧ બેંકો સુધી પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં જ્યાં માત્ર ૨ કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા, તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૪,૧૬૨ કરોડને પાર પહોંચી ગયા છે. મૂલ્યની દ્રષ્ટિએ આ આંકડો રૂ. ૦.૦૭ લાખ કરોડથી વધીને આશરે રૂ. ૩૧૪ લાખ કરોડ થયો છે.

વર્ષ ૨૦૨૬ UPI માટે અનેક નવા વિક્રમો લઈને આવ્યું છે. મે ૨૦૨૬માં માસિક ટ્રાન્ઝેક્શનનો આંકડો પ્રથમ વખત ૨,૩૦૦ કરોડને પાર કરી ૨,૩૨૦ કરોડ પહોંચ્યો હતો, જ્યારે જુલાઈ ૨૦૨૬માં ૨,૩૬૬ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે એક નવો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ સર્જાયો હતો. હાલ દેશમાં દૈનિક સરેરાશ ૬૬ કરોડથી વધુ સફળ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.

ઇન્ટરનેટ વગરના ફીચર ફોન વપરાશકર્તાઓ માટે 'UPI 123PAY' અને નાના પેમેન્ટ્સ માટે 'UPI Lite' જેવા ફીચર્સ રજૂ કરીને તમામ વર્ગોને જોડવામાં આવ્યા છે. આ સિવાય ફિંગરપ્રિન્ટ, ફેસ અનલૉક, ઓટોપે અને ક્રેડિટ લાઇન જેવા મોર્ડન ફીચર્સ પણ ઉમેરાયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ UPIનો દબદબો વધ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) મુજબ વૈશ્વિક રિયલ-ટાઇમ પેમેન્ટ્સમાં ભારતનો હિસ્સો ૪૯% છે. જૂન ૨૦૨૬માં ગ્રીસ અને કમ્બોડિયા તથા જુલાઈ ૨૦૨૬માં માલદીવ સાથે જોડાણ બાદ હવે યુએઈ, ફ્રાન્સ, સિંગાપોર, નેપાળ અને શ્રીલંકા સહિત દુનિયાના ૧૧ દેશોમાં UPI સેવાઓ સફળતાપૂર્વક કાર્યરત છે.