Home National
July 24, 2026

પેપર લીક મુદ્દે સંસદમાં સંગ્રામ: NDA અને INDIA ગઠબંધન સામસામે, સતત 4 થી દિવસે ચોમાસુ સત્ર હોબાળાની ભેટ!

Paras Joshi

Author

Post Image

સંસદના ચોમાસુ સત્રમાં નીટ (NEET) પેપર લીક મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી જતાં ભારે હોબાળો મચી ગયો છે. બંને પક્ષો પોતાની શરતો પર અડગ હોવાના કારણે ચોમાસુ સત્રના પ્રથમ 4 દિવસ સંપૂર્ણપણે ધાંધલ-ધમાલ અને સૂત્રોચ્ચારની ભેટ ચડી ગયા છે. સંસદ ભવનના મકર દ્વાર પર એક તરફ NDA ગઠબંધને કોંગ્રેસના ધરણા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો બીજી તરફ INDIA ગઠબંધને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી જ હંગામો

સંસદનું ચોમાસુ સત્ર તારીખ 20 જુલાઈ 2026 ના રોજ શરૂ થયું હતું. પરંતુ પ્રથમ દિવસથી જ વિપક્ષે પેપર લીક મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. સ્પીકરે વિપક્ષની માંગને બાજુ પર રાખીને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સાંસદો ગૃહના વેલમાં આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સ્પીકરની વારંવારની અપીલ છતાં સ્થિતિ સામાન્ય ન થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. પરિણામે સળંગ 4 દિવસથી ગૃહની કામગીરી ચાલી શકી નથી.

કોકરોચ જનતા પાર્ટી (CJP) નો સંસદ માર્ચ અને પોલીસ સાથે ઘર્ષણ

સત્રના પ્રથમ દિવસે એટલે કે 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી માર્ચ યોજવામાં આવી હતી. દિલ્હી પોલીસે પરવાનગી વગરના આ માર્ચને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંદોલનકારીઓ આગળ વધીને વિજય ચોક અને કનોટ પ્લેસ સુધી પહોંચી ગયા હતા. અહીં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કરવાની સાથે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા.

વિપક્ષનો વિરોધ: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

પોલીસ કાર્યવાહીના વિરોધમાં બીજા દિવસે કોંગ્રેસ નેતાગીરીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ, સાંસદો અને કાર્યકરો વડાપ્રધાન આવાસ સામે ધરણા પર બેસી ગયા હતા. આ ધરણાને હટાવવા માટે 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ ઘેરાબંધી કરીને પહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બળજબરીપૂર્વક અટકાયત કરી, બસમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વિપક્ષ આ તમામ ઘટનાઓને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે અને પેપર લીક પર ચર્ચાની માંગ પર અડગ છે.