Home National
September 03, 2026

Rahul Gandhi Citizenship Case: અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી ફગાવી

Paras Joshi

Author

Post Image

લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી રિટ અરજીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે ફગાવી દીધી છે. અદાલતે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, અરજદાર રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાના પોતાના આરોપોને સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા કે દસ્તાવેજ રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ અવધેશ કુમાર ચૌધરીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

શું હતા અરજદારના આક્ષેપો?

અરજદાર અશોક પાંડે અને રજનીશ કુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી 'કો-વોરંટો' રિટ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધી ભારતીય નાગરિક નથી પરંતુ બ્રિટિશ નાગરિક છે, તેથી તેઓ રાયબરેલીના સાંસદ તરીકે પદ પર રહેવાનો અધિકાર ધરાવતા નથી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩માં બ્રિટનમાં 'બેકઓપ્સ લિમિટેડ' નામની કંપની બનાવી હતી અને તેમાં પોતાની જાતને બ્રિટિશ નાગરિક દર્શાવ્યા હતા.

કોર્ટે પુરાવા માંગતા અરજી પરત ખેંચી

સુનાવણી દરમિયાન જ્યારે હાઈકોર્ટે અરજદાર પાસે બ્રિટિશ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના રેકોર્ડ કે રાહુલ ગાંધીના બ્રિટિશ નાગરિક હોવાના કોઈ સત્તાવાર પુરાવા માંગ્યા, ત્યારે અરજદાર કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. અરજદાર માત્ર 'રાઉલ વિંચી' નામના વ્યક્તિના શિક્ષણ સંબંધિત કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક પત્ર જ દર્શાવી શક્યા હતા, જેને કોર્ટે બિનઅસરકારક ગણાવ્યો હતો. નક્કર આધાર ન હોવાને કારણે અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લેવાની માંગ કરી હતી, જેને પીઠે મંજૂર કરીને અરજી રદ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારોએ 2015 અને 2019 માં પણ આવા જ મુદ્દા ઉઠાવ્યા હતા, જેમાં અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકતા સંબંધિત કોઈપણ ફરિયાદો નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 9(2) હેઠળ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની હોય છે.