ઓપરેશન સિંદૂરના હીરો જિતેન્દ્ર મિશ્ર બન્યા રામ મંદિરના પ્રથમ CEO, જાણો પસંદગી પાછળના 3 મોટા કારણો
Paras Joshi
Author
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાના વધી રહેલા વહીવટી વ્યાપ અને વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રથમ વખત CEO (મુખ્ય કારોબારી અધિકારી) નું પદ ઊભુ કર્યું છે. આ મહત્વપૂર્ણ જવાબદારી માટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રની પસંદગી કરવામાં આવી છે. જિતેન્દ્ર મિશ્ર એ જ જાંબાઝ સૈન્ય અધિકારી છે જેમણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વેસ્ટર્ન એર કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. વાયુસેનામાંથી નિવૃત્ત થયાના ગણતરીના મહિનાઓ બાદ જ તેમને રામ મંદિર પરિસરના સંચાલનની કમાન સોંપવામાં આવી છે. શરૂઆતમાં આ પદ માટે ચર્ચામાં રહેલા નામોમાં તેમનો સમાવેશ નહોતો, પરંતુ ૧૬ ઉમેદવારોના ઇન્ટરવ્યુ અને અંતિમ ૩ નામોના પેનલ બાદ તેમની પસંદગી પર આખરી મહોર મારવામાં આવી હતી. જિતેન્દ્ર મિશ્રની રામ મંદિરના પ્રથમ CEO તરીકેની પસંદગી પાછળ ૩ મુખ્ય કારણો જવાબદાર માનવામાં આવે છે..

'ઓપરેશન સિંદૂર' નું સફળ નેતૃત્વ અને મજબૂત છબી
ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ સરહદ પાર આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી, ત્યારે પશ્ચિમી મોરચા પર વાયુસેનાની કમાન જિતેન્દ્ર મિશ્રના હાથમાં હતી. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને દેશના સર્વોચ્ચ 'યુદ્ધ સેવા મેડલ' થી પણ નવાજવામાં આવ્યા હતા. મે ૧૩ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે મિશ્રએ જ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની લશ્કરી શિસ્ત અને દેશસેવાની મજબૂત પ્રોફાઇલ આ પસંદગીમાં નિર્ણાયક સાબિત થઈ છે.
ચાર દાયકાનો બહોળો સૈન્ય અને વહીવટી અનુભવ
જિતેન્દ્ર મિશ્ર ભારતીય વાયુસેનામાં લગભગ ૩૯ વર્ષનો દીર્ઘ અનુભવ ધરાવે છે. રામ મંદિરમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મંદિર નિર્માણની સાથે રખરખાવ, સુરક્ષા તેમજ નવા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી વધી રહ્યું છે. આવા સમયે મોટા પાયે ટ્રાફિક, ટીમ મેનેજમેન્ટ અને કટોકટીના સમયે ઝડપી નિર્ણયો લેવાની તેમની લશ્કરી ક્ષમતા રામ મંદિરના સુચારૂ સંચાલનમાં ખૂબ ઉપયોગી નીવડશે.

ઉત્તર પ્રદેશ સાથેનું મૂળ જોડાણ
જિતેન્દ્ર મિશ્ર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની છે. રામ મંદિર અયોધ્યામાં આવેલું હોવાથી અને ટ્રસ્ટનું મોટાભાગનું કામકાજ રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાયેલું હોવાથી, તેમનું યુપી સાથેનું કનેક્શન વહીવટી સરળતા માટે એક વધારાનું મહત્વનું પાસું બની રહ્યું છે.
ચઢાવા વિવાદ બાદ ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરબદલ
જૂન મહિનામાં મંદિરના ચઢાવાની રકમમાં થયેલી કથિત ગેરરીતિ અને હેરાફેરીના વિવાદ બાદ SIT તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ૮ લોકોની ધરપકડ થઈ હતી. આ ઘટના બાદ ટ્રસ્ટની વહીવટી વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જુલાઈમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ, તાજેતરમાં ૨ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં સ્વામી ગોવિંદ દેવ ગિરીને નવા જનરલ સેક્રેટરી (મહા મંત્રી) બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ડો. નિર્મળા યાદવ (ટ્રસ્ટના પ્રથમ મહિલા સભ્યો), મદાન મોહન પાંડે અને મહેશ ભાગચંદકાને નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
તમામ ફેરબદલો વચ્ચે, લશ્કરી શિસ્ત ધરાવતા જિતેન્દ્ર મિશ્રને CEO બનાવીને ટ્રસ્ટ મંદિરના વહીવટમાં પારદર્શિતા, શિસ્ત અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માંગે છે.