Home Business
October 07, 2026

RBI ની વ્યાજદરમાં કપાતની આશા પર પૂર્ણવિરામ: રેપો રેટ વધીને 5.5% થયો, વલણ બદલીને કર્યું 'કેલિબ્રેટેડ ટાઇટનિંગ'

Paras Joshi

Author

Post Image

દેશમાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે ફુગાવા (મોંઘવારી) પર કડક નિયંત્રણ જાળવી રાખવાના હેતુથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં ત્રણ દિવસ સુધી ચાલેલી મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ બુધવારે નીતિગત નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સ (0.25%) નો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ સાથે જ દેશમાં રેપો રેટ વધીને 5.5% થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, February 2023 પછી વ્યાજદરમાં કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે.

વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ પૂર્ણ: 'કેલિબ્રેટેડ ટાઇટનિંગ' સ્ટેન્સ

RBI એ પોતાના નીતિગત વલણ (stance) માં મોટો ફેરફાર કરીને તેને સત્તાવાર રીતે 'કેલિબ્રેટેડ ટાઇટનિંગ' કરી દીધું છે. નિર્ણય અંગે માહિતી આપતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "અમે અમારું વલણ બદલીને સ્પષ્ટ કરી દીધું છે કે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો વિકલ્પ હવે ઉપલબ્ધ નથી. હવે પછીના પગલાં તરીકે અમે કાં તો વ્યાજદરમાં વધારો કરીશું અથવા વર્તમાન સ્તર પર સ્થિર રાખીશું. વ્યાજદરમાં કેટલો વધારો થશે તેનો આધાર બદલાતી વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિઓ પર રહેશે."

GDP ગ્રોથ રેટના અંદાજમાં સુધારો, FY27 માં 7.1% વિકાસનો દાવો

વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાનો સંતોષ RBI ગવર્નરે વ્યક્ત કર્યો હતો. અર્થતંત્રની આ જ મજબૂતીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે ભારતનો GDP ગ્રોથ રેટ અંદાજ 40 બેસિસ પોઇન્ટ્સ વધારીને 7.1% કર્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઇનમાં આવતી અડચણો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સ્થાનિક મોંઘવારી પર અસર પડી શકે છે, જેના કારણે FY27 માટે ફુગાવાનો અંદાજ થોડો વધારીને 5.2% કરવામાં આવ્યો છે.

UPI શુલ્ક અને બેંકિંગ લિક્વિડિટી પર સ્પષ્ટતા

મીડિયા સાથેની વાતચીતમાં ગવર્નર મલ્હોત્રાએ UPI ટ્રાન્ઝેક્શન પર લાગતા નાના ચાર્જિસ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે આ નાના શુલ્કની UPI વ્યવહારોના વોલ્યુમ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. આ ઉપરાંત, તેમણે બેંકોને ભંડોળનો ઉપયોગ અત્યંત સાવધાનીપૂર્વક કરવાની સલાહ આપી હતી અને ઉમેર્યું હતું કે NBFC ની એસેટ ક્વોલિટી મજબૂત છે અને તેમાં ચિંતાનું કોઈ કારણ નથી. બેંકિંગ ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ (credit growth) આગામી સમયમાં પણ મજબૂત જળવાઈ રહેશે.