પાડોશી દેશમાં 'ઓરી'નો હાહાકાર: 100થી વધુ મોત બાદ મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ
Paras Joshi
Author
બાંગ્લાદેશમાં ખસરા (ઓરી)ના પ્રકોપને કારણે 100થી વધુ બાળકોના મોત થયા છે અને ૯૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ રોગ હવા દ્વારા ફેલાય છે અને નાના બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બાંગ્લાદેશ સરકારે 5 એપ્રિલથી 12 લાખ બાળકોને આવરી લેતું ઈમરજન્સી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ વાલીઓને બાળકોમાં તાવ કે શરીર પર લાલ ચકામા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ખસરા એટલે કે ઓરી કેમ આટલો ખતરનાક માનવામાં આવે છે તે સમજવું અત્યંત જરૂરી છે. આ એક વાઈરલ ઈન્ફેક્શન છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર સીધો હુમલો કરે છે. આ બીમારીની શરૂઆત તીવ્ર તાવ, સતત ખાંસી, આંખો લાલ થવી અને શરીરમાં ભારે નબળાઈથી થાય છે. ત્યારબાદ શરીર પર નાના લાલ ફોડલીઓ કે ચકામા દેખાવવા લાગે છે. ઘણા કિસ્સાઓમાં વાલીઓ તેને સામાન્ય ગરમી કે એલર્જી સમજીને અવગણતા હોય છે, પરંતુ આ જ ભૂલ જીવલેણ સાબિત થાય છે. સમયસર સારવાર ન મળવાને કારણે બાળકના ફેફસાં અને મગજ પર તેની ગંભીર અસર થાય છે, જેના પરિણામે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.
આ બીમારીના ફેલાવા પાછળનું મુખ્ય કારણ તેનું અત્યંત ચેપી હોવું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખસરાનો વાઈરસ હવા દ્વારા ખૂબ જ ઝડપથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે કોઈ સંક્રમિત બાળક ખાંસી કે છીંક ખાય છે, ત્યારે તેના વાઈરસ હવામાં ભળી જાય છે અને કલાકો સુધી ત્યાં જીવંત રહી શકે છે. આસપાસ રહેલા અન્ય બાળકો શ્વાસ દ્વારા આ વાઈરસને પોતાના શરીરમાં લે છે. ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં આ બીમારી જંગલની આગની જેમ ફેલાય છે. બાંગ્લાદેશમાં માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.