મેદાનમાં મોબાઈલ વાપરવો ભારે પડ્યો! રાજસ્થાન રોયલ્સના મેનેજર પર બીસીસીઆઈની ગાજ
Paras Joshi
Author
રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડર પર આઈપીએલ મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટ દ્વારા તપાસ બાદ તેમને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લીનચીટ આપવામાં આવી છે, પરંતુ શિસ્તના ભંગ બદલ કડક ચેતવણી આપવામાં આવી છે. આ ઘટના ૧૦ એપ્રિલના રોજ ગુવાહાટીમાં રમાયેલી આરઆર વિરુદ્ધ આરસીબી મેચ દરમિયાન બની હતી. જોકે, તેમની સાથે બેઠેલા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટે રોમી ભિન્ડરને પત્ર મોકલીને જાણ કરી છે કે તેમને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના કેસમાં ક્લીનચીટ આપવામાં આવી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે ફોનનો ઉપયોગ કોઈ પણ પ્રકારની મેચ ફિક્સિંગ કે શંકાસ્પદ પ્રવૃત્તિ માટે કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં, નિયમો મુજબ આઈપીએલ મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ સુરક્ષા અને પ્રોટોકોલનો ભંગ ગણાય છે. આ કારણે જ બોર્ડે તેમના પર ૧ લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે કડક સૂચના આપી છે.
આ સમગ્ર વિવાદ ૧૦ એપ્રિલના રોજ ગુવાહાટીમાં રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં શરૂ થયો હતો. જ્યારે રાજસ્થાનની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે કેમેરામાં મેનેજર રોમી ભિન્ડર ફોનનો ઉપયોગ કરતા ઝડપાઈ ગયા હતા. આઈપીએલના કડક નિયમો મુજબ, ટીમ મેનેજરો પાસે ફોન હોઈ શકે છે પરંતુ રમત ચાલુ હોય ત્યારે ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવો સખત મનાઈ છે. આ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર દેખાયા બાદ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો અને બીસીસીઆઈએ તાત્કાલિક કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે, આ ઘટના સમયે ૧૫ વર્ષનો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ ભિન્ડરની બાજુમાં બેઠો હતો અને તે પણ ફોનની સ્ક્રીન પર જોતો નજરે પડ્યો હતો. જોકે, બીસીસીઆઈએ વૈભવ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે રોમી ભિન્ડરની તબિયત આઈપીએલ શરૂ થયા પહેલા ઘણી નાજુક હતી. તેઓ ફેફસાની ગંભીર બીમારીથી પીડાતા હતા અને આઈસીયુમાં પણ રહી ચુક્યા છે. તેમણે બચાવમાં જણાવ્યું હતું કે તેમને વારંવાર ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું પડતું હોવાથી તેમણે બીસીસીઆઈ પાસેથી પરવાનગી માંગી હતી. જોકે, બોર્ડે પ્રોટોકોલના ભંગને ગંભીરતાથી લીધો છે.