બિહારમાં સમ્રાટ ચૌધરીનો 'એક્શન પ્લાન': મુખ્યમંત્રી બનતા જ ભ્રષ્ટાચારીઓ પર તરાપ
Paras Joshi
Author
બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સત્તા સંભાળતાની સાથે જ વહીવટીતંત્રને વેગ આપવા માટે પાંચ મોટા નિર્ણયો લીધા છે. તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવતા ઝીરો ટોલરન્સની નીતિ જાહેર કરી છે અને જનતાની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ પર ભાર મૂક્યો છે. સચિવાલયમાં યોજાયેલી પ્રથમ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી કામકાજમાં વિલંબ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને બિહારને વિકસિત રાજ્ય બનાવવું એ તેમની પ્રાથમિકતા રહેશે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશતાની સાથે જ સમ્રાટ ચૌધરીએ અનેક મહત્વની ફાઇલોની સમીક્ષા કરી હતી અને વહીવટી કામકાજને વેગ આપતા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ મુખ્ય સચિવ અને વિવિધ વિભાગોના અગ્ર સચિવો સાથેની ઔપચારિક બેઠકમાં તેમણે વહીવટીતંત્રનું ભાવિ માળખું રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, બિહારની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે આપણે બમણી ગતિએ કામ કરવું પડશે. તેમણે ખાસ કરીને ફાઈલોને પેન્ડિંગ રાખવાની સંસ્કૃતિનો અંત લાવવા અને દરેક કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
ભ્રષ્ટાચારને ડામવા માટે મુખ્યમંત્રીએ અત્યંત કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરવામાં આવશે નહીં. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પારદર્શિતા સરકારની ઓળખ હોવી જોઈએ. જો કોઈ પણ સ્તરે ગેરરીતિ જણાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે તાલુકા, બ્લોક અને પોલીસ સ્ટેશન સ્તરે સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ફરિયાદોના સમયસર નિકાલ માટે તંત્રને વધુ સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો હતો.
વહીવટી સુધારાના ભાગરૂપે સમ્રાટ ચૌધરીએ અધિકારીઓને શિસ્ત અને જવાબદારી સાથે કામ કરવાની શીખ આપી હતી. તેમણે કહ્યું કે બિહારને એક સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે અધિકારીઓએ એકજુઠ થઈને કામ કરવું પડશે. જનતાની ફરિયાદોના નિરાકરણમાં વિલંબ કરનારા કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની તૈયારી બતાવી છે. સચિવાલયમાંથી સામે આવેલી તસવીરોમાં મુખ્યમંત્રી અત્યંત સક્રિય દેખાઈ રહ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ જમીની સ્તરે પરિવર્તન લાવવા માટે મક્કમ છે.