Home Gujarat
May 24, 2026

10 ટકા નબીરાઓના લીધે 90 ટકા જનતા શા માટે ભોગ બને? રોડ અકસ્માતો રોકવા જાણીતા લેખક મનોજ પટેલે PMO અને નીતિન ગડકરી સુધી કરી ઉગ્ર રજૂઆત

Paras Joshi

Author

Post Image

ગુજરાતમાં દિન-પ્રતિદિન વધી રહેલા જીવલેણ માર્ગ અકસ્માતો અને રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણો સામે હવે જાણીતી હસ્તીઓએ પણ મોરચો માંડ્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા લેખક અને નિર્માતા મનોજ પટેલે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આર.ટી.આઈ. (RTI) દ્વારા મેળવેલા ચોંકાવનારા આંકડાઓ સાથે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનર, રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચેરપર્સનને એક જાહેર હિતમાં અત્યંત તાકીદનો પત્ર પાઠવ્યો છે.

૫ વર્ષમાં ૩૮ હજારથી વધુ મોત: RTIમાં ચોંકાવનારો ખુલાસો

મનોજ પટેલે પોતાના પત્રમાં સત્તાવાર માહિતીનો હવાલો આપતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦解૧ થી ૨૦૨૫ દરમિયાન સમગ્ર ગુજરાતમાં કુલ ૭૯,૦૫૪ રોડ અકસ્માતો નોંધાયા છે, જેમાં આશરે ૩૮,૫૩૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશની આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ રોજબરોજ નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બને તે અત્યંત ચિંતાજનક બાબત છે. પત્રમાં આક્રોશ વ્યક્ત કરાયો છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઓવર સ્પીડથી વાહન ચલાવનારા માત્ર ૧૦ ટકા લોકોના કારણે બાકીની ૯૦ ટકા સામાન્ય જનતાએ શા માટે જીવ જોખમમાં મૂકવો પડે? અત્રે ઉલ્લેખનીય છે કે, મનોજ પટેલ અગાઉ પણ સિસ્ટમ સામે લડી ચૂક્યા છે. તેમણે વર્ષ ૨૦૨૦થી ફિલ્મ પ્રોત્સાહન સબસીડી નીતિ-૨૦૧૯માં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો છે, જેની લડત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. હવે તેમણે પ્રજાના જીવ બચાવવા માટે નવો મોરચો ખોલ્યો છે.

હાઈકોર્ટના આદેશ છતાં તંત્ર ઘોર નિદ્રામાં, રસ્તાઓ પર ૧૦ ફૂટની જગ્યા બ્લોક

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ જાહેર હિતની અરજી (PIL No. 170 of 2017) અને કન્ટેમ્પ્ટ પિટિશન અંતર્ગત કડક નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં, AMC તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે. અમદાવાદના મોટાભાગના જાહેર માર્ગો પર રોડની બંને તરફ આશરે ૫-૫ ફૂટ (કુલ ૧૦ ફૂટ) જેટલી જગ્યા ગેરકાયદેસર ઓન-રોડ પાર્કિંગ અને લારી-ગલ્લાના દબાણોના કારણે બ્લોક થઈ જાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બને છે.

પત્રમાં કરવામાં આવેલી મુખ્ય ૪ માગણીઓ

૧. ગેરકાયદેસર દબાણો તાકીદે દૂર કરો: અમદાવાદ સહિત રાજ્યના તમામ મુખ્ય માર્ગો પરથી ઓન-રોડ ગેરકાયદેસર પાર્કિંગ અને એન્ક્રોચમેન્ટ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે.

૨. શહેરોમાં ડાબી બાજુની એક લેન અનામત: તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારના રોડ પર ડાબી સાઈડની ઓછામાં ઓછી 'એક લેન' માત્ર ૩૦-૪૦ કિમી/કલાકની ઝડપ મર્યાદા સાથે ધીમા વાહનો માટે અલગ ફાળવવામાં આવે.

૩. હાઈવે પર સ્પીડ લિમિટ લેન: રાજ્યના તમામ સ્ટેટ અને નેશનલ હાઈવે પર ડાબી સાઈડની એક લેન ૫૦-૬૦ કિમી/કલાકની સ્પીડ લિમિટ સાથે ફાળવાય, જેથી મધ્યમ ગતિના વાહનો સુરક્ષિત મુસાફરી કરી શકે.

૪. અમદાવાદ-ગાંધીનગરથી અંબાજી અલગ પદયાત્રી માર્ગ: દર વર્ષે ભાદરવા માસમાં અંબાજી જતા આશરે ૨૫ લાખ શ્રદ્ધાળુઓમાંથી ૭૦ ટકા પદયાત્રીઓ અમદાવાદ-ગાંધીનગર થઈને જાય છે. આ લાખો ભક્તોની સુરક્ષા માટે અલગ 'પદયાત્રા માર્ગ' બનાવવામાં આવે. આ માર્ગના નિર્માણથી સ્થાનિક ગ્રામીણ લોકોને "જી રામ જી" યોજના હેઠળ રોજગારી પણ મળી રહેશે.

૨ ઓક્ટોબર 'ગાંધી જયંતી'નું અલ્ટીમેટમ

ફિલ્મ નિર્માતા અને લેખક મનોજ પટેલે પત્રના અંતે વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી ૨ ઓક્ટોબર ૨૦૨૬ (ગાંધી જયંતી) સુધીમાં આ તમામ ગંભીર સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ કાયદાકીય મંજૂરીઓ મેળવીને ગાંધી ચિંધ્યા માર્ગે 'સત્યાગ્રહ' પર બેસશે.