Home Gujarat
May 28, 2026

પશુપાલકો માટે દૂધસાગર ડેરીની મોટી ભેટ: દૂધના ખરીદ ભાવમાં સીધો રૂ. 25 નો કર્યો વધારો

Paras Joshi

Author

Post Image

ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના શાસિત નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને સર્વોપરી રાખીને દૂધના ખરીદ ભાવમાં સીધો જ મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે મહેસાણા જિલ્લા સહિત ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ડેરી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, હવે દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં પ્રતિ કિલો ફેટે સીધો જ ૨૫ રૂપિયાનો વધારો ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક ભાવ વધારા બાદ, પશુપાલકોને અત્યાર સુધી મળતો પ્રતિ કિલો ફેટનો ભાવ ૮૩૦ રૂપિયાથી વધીને હવે ૮૫૫ રૂપિયા પર પહોંચી ગયો છે. મોંઘવારીના આ સમયમાં પશુદાણ અને ઘાસચારાના વધતા ભાવો વચ્ચે ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે ખૂબ જ મોટો આર્થિક ટેકો સાબિત થશે.

ચેરમેન અશોક ચૌધરી અને વહીવટી મંડળના આ પશુપાલક લક્ષી અભિગમને કારણે દૂધ ઉત્પાદકોની આવકમાં મોટો ઉછાળો આવશે. આ સુધારાના પરિણામે દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને વાર્ષિક ધોરણે અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધુ રકમનો સીધો નાણાકીય ફાયદો થશે. દૂધસાગર ડેરીના સત્તાધીશોએ જણાવ્યું છે કે સંસ્થા હંમેશા પશુપાલકોના પરસેવાનું યોગ્ય મૂલ્ય આપવા માટે કટિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ તેમના હિતોની રક્ષા કરવામાં આવશે.