Home National
April 16, 2026

મહિલા અનામત પર મોદીનું 'માસ્ટરસ્ટ્રોક' ભાષણ: 'શ્રેય જોઈતું હોય તો બ્લેન્ક ચેક લઈ લો, પણ દીકરીઓનો હક ન રોકો'

Author

Post Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા અનામત બિલ પર સંબોધન કરતા જણાવ્યું કે આ રાષ્ટ્રહિતનો નિર્ણય છે અને તેને રાજનીતિના ત્રાજવે ન તોળવો જોઈએ. પીએમએ વિપક્ષને 'ક્રેડિટનું બ્લેન્ક ચેક' આપતા કહ્યું કે તેઓ આ બિલનો કોઈ શ્રેય લેવા માંગતા નથી અને વિપક્ષ ઈચ્છે તો બધા જ ફોટા અને શ્રેય પોતાના નામે કરી શકે છે. તેમણે ચેતવણી આપી કે મહિલા શક્તિ આપણી નીતિની સાથે સાથે આપણી 'નિયત' પર પણ નજર રાખી રહી છે. પીએમએ આ ઐતિહાસિક ક્ષણને પ્રાયશ્ચિત કરવાની તક ગણાવીને સર્વસંમતિથી બિલ પસાર કરવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાને પોતાના વકતવ્યમાં ભૂતકાળના અનુભવોને યાદ કરતા કહ્યું કે જ્યારે પણ મહિલા અનામતની ચર્ચા થઈ છે અને જે પક્ષોએ તેનો વિરોધ કર્યો છે, દેશની મહિલાઓએ તેમને ક્યારેય માફ કર્યા નથી. ૨૦૨૪ની ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે આ વખતે મહિલાઓએ કોઈની પણ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો નથી કારણ કે આ બિલ પર સામાન્ય સહમતિ જોવા મળી હતી અને કોઈને તેનો રાજકીય ફાયદો થયો નહોતો. પીએમએ ભારપૂર્વક કહ્યું કે ૨૧મી સદીનું ભારત નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે અને વિશ્વમાં ભારતની સ્વીકૃતિ વધી રહી છે.

પોતાના પૃષ્ઠભૂમિ વિશે વાત કરતા પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું કે, "હું અત્યંત પછાત સમાજમાંથી આવું છું અને આ ભારતીય બંધારણની તાકાત છે કે મારા જેવા વ્યક્તિને દેશની સેવા કરવાની આટલી મોટી જવાબદારી મળી છે." તેમણે મહિલાઓના સામર્થ્ય પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં કમાલ કરી રહી છે, ત્યારે તેમની ભાગીદારી રોકવા માટે આપણે શા માટે શક્તિ વેડફવી જોઈએ? પીએમએ ઉમેર્યું કે મહિલા શક્તિ આપણી નીતિ કરતા પણ વધારે આપણી દાનતને જોશે અને જો આપણી દાનતમાં ખોટ હશે તો નારી શક્તિ ક્યારેય માફ કરશે નહીં.

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવતા ક્રેડિટના મુદ્દા પર પીએમ મોદીએ નમ્રતાપૂર્વક કહ્યું કે, "હું તમને શ્રેય માટે બ્લેન્ક ચેક આપવા તૈયાર છું. જો તમે આનો વિરોધ કરશો તો તેનો રાજકીય લાભ મને મળશે, પણ જો આપણે સાથે મળીને ચાલીશું તો કોઈને અંગત લાભ નહીં પણ દેશને મોટો ફાયદો થશે." તેમણે ઓફર આપી કે જો વિપક્ષ ઈચ્છે તો તેઓ આખા દેશમાં વિપક્ષી નેતાઓના ફોટા સરકારી ખર્ચે છપાવવા તૈયાર છે, બસ શરત એટલી છે કે આ બિલ નિર્વિઘ્ન પસાર થવું જોઈએ. પીએમએ સ્પષ્ટ કર્યું કે આ બિલમાં કોઈ પણ રાજ્ય સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો નથી.

છેલ્લા ત્રણ દાયકાથી મહિલા અનામત અટક્યું હોવાના મુદ્દે પીએમએ કહ્યું કે હવે સમય બદલાયો છે. પંચાયત સ્તરે ચૂંટાયેલી લાખો બહેનોમાં હવે રાજકીય ચેતના જાગી છે. તેઓ હવે મૂક પ્રેક્ષક નથી પણ મુખર છે અને વહીવટી પ્રક્રિયાને સારી રીતે સમજે છે. પીએમએ વિપક્ષના વિરોધ પર કટાક્ષ કરતા અને આભાર માનતા કહ્યું કે, "જ્યારે કોઈ સારું કામ થતું હોય ત્યારે નજર ન લાગી જાય તે માટે આપણે કાળું ટીકું લગાવીએ છીએ, તમે પણ વિરોધ કરીને જે કાળું ટીકું લગાવ્યું છે તે માટે તમારો આભાર." તેમણે અંતમાં તમામ સભ્યોને જૂની મર્યાદાઓ છોડીને હિંમત સાથે સર્વસંમતિથી આગળ વધવા અપીલ કરી હતી.