Home Gujarat
February 25, 2026

આવતીકાલથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા, તમામ તૈયારીઓ પૂર્ણ, 15 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

Paras Joshi

Author

Post Image

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થવા જઈ રહી છે, ત્યારે આવા સમયે તંત્ર તરફથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેને ધ્યાનમાં રાખીને પરીક્ષા વ્યવસ્થાને વ્યવસ્થિત અને પારદર્શક રીતે બનાવાવ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની પસંદગી શાળાઓની સહમતીથી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ સુગમ બનાવવામાં આવી છે.


વધુમાં તેમણે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી છે, તેથી માત્ર એક દિવસની ચિંતા કર્યા વગર પોતાની આખા વર્ષની તૈયારી પર વિશ્વાસ રાખીને પરીક્ષા આપવી જોઈએ. કોઈપણ પ્રકારના તાણ અથવા ભયમાં ન આવવા અને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ “બેસ્ટ ઓફ 2” પદ્ધતિ અમલમાં રહેશે. જો કોઈ વિદ્યાર્થી કોઈ વિષયનું પરિણામ સુધારવા ઇચ્છે તો જુલાઈ માસમાં પુનઃ પરીક્ષા આપવામાં આવશે. આ પુનઃ પરીક્ષા ‘ટ્રાયલ’ તરીકે ગણાશે નહીં અને વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની સંપૂર્ણ તક મળશે.


પરીક્ષા પ્રક્રિયા પારદર્શક રહે તે માટે રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગેરરીતિ અટકાવવા માટે તંત્ર કડક દેખરેખ રાખશે. વિદ્યાર્થીઓને પણ ગેરરીતિથી દૂર રહેવાની અને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.