Home Sports
May 31, 2026

IPL ઇતિહાસ (2008 થી 2025): જાણો કઈ સીઝનમાં કોણ બન્યું ચેમ્પિયન અને કોણે જીત્યો 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નો એવોર્ડ

Paras Joshi

Author

Post Image

વિશ્વની સૌથી લોકપ્રિય અને અમીર ટી-20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે તેના અંતિમ ચરણમાં છે. આજે આ ટૂર્નામેન્ટની 19 મી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આરસીબી પોતાની ટ્રોફી બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ગુજરાત વર્ષ 2022 પછી બીજી વખત આ ખિતાબ પોતાના નામે કરવા માટે લડશે. આ મહામેચના રોમાંચ વચ્ચે, ચાલો નજર કરીએ વર્ષ 2008 થી શરૂ થયેલી આ લીગના અત્યાર સુધીના ગૌરવશાળી ઇતિહાસ પર.

આ ૩ ટીમો ક્યારેય નથી જીતી શકી ટ્રોફી, મુંબઈ-ચેન્નાઈ ટોપ પર

વર્ષ 2008 માં દિવંગત શેન વોર્નની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટ્રોફી જીતીને આ લીગની શરૂઆત કરી હતી. વર્ષ 2021 સુધી આ લીગમાં માત્ર 8 ટીમો જ ભાગ લેતી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ ટૂર્નામેન્ટમાં 10 ટીમો રમી રહી છે. આ અગાઉ વર્ષ 2010 માં પણ 10 ટીમો રમી હતી, જ્યારે વર્ષ 2012 અને 2013 માં 9-9 ટીમોએ ભાગ લીધો હતો.

આઇપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સૌથી સફળ ટીમો છે, જે બંને 5-5 વાર ચેમ્પિયન બની ચૂકી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 3 વાર ટ્રોફી જીતી ચૂકી છે. આ સિવાય ગુજરાત ટાઇટન્સ, ડેક્કન ચાર્જર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને આરસીબી 1-1 વાર ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) એવી કમનસીબ ટીમો છે જે અત્યાર સુધી એક પણ આઇપીએલ ટ્રોફી જીતી શકી નથી.

વર્ષવાર IPL વિજેતાઓ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની વિગતવાર યાદી:

IPL 2008 (વિજેતા: રાજસ્થાન રોયલ્સ)

આઇપીએલની પ્રથમ સીઝનની ફાઇનલમાં દિગ્ગજ સ્પિનર શેન વોર્નની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવીને ઇતિહાસનું પ્રથમ ખિતાબ જીત્યું હતું.

IPL 2009 (વિજેતા: ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ)

બીજી સીઝનની ફાઇનલમાં એડમ ગિલક્રિસ્ટની કપ્તાનીમાં ડેક્કન ચાર્જર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 રનથી હરાવ્યું હતું. એડમ ગિલક્રિસ્ટ પોતે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2010 (વિજેતા: ચેન્નાઈ સુપર કિંગ્સ)

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સને 22 રને હરાવીને પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી. સચિન તેંડુલકર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે ચૂંટાયા હતા.

IPL 2011 (વિજેતા: ચેન્નાઈ સુપર કિંગ્સ)

એમએસ ધોનીની ટીમે સતત બીજી સીઝનમાં ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં સીએસકેએ આરસીબીને 58 રનથી હરાવ્યું હતું. ક્રિસ ગેલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2012 (વિજેતા: કોલકાતા નાઇટ રાઇડર્સ)

ગૌતમ ગંભીરની કપ્તાનીમાં કેકેઆરે ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી પ્રથમ વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. સુનિલ નરેન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યા હતા.

IPL 2013 (વિજેતા: મુંબઈ ઇન્ડિયન્સ)

રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈએ ફાઇનલમાં ચેન્નાઈને 23 રને હરાવી પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી. શેન વોટસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાયા હતા.

IPL 2014 (વિજેતા: કોલકાતા નાઇટ રાઇડર્સ)

ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ કેકેઆરે ફાઇનલમાં કિંગ્સ ઇલેવન પંજાબને 3 વિકેટે હરાવી બીજી વાર ટ્રોફી જીતી હતી. ગ્લેન મેક્સવેલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2015 (વિજેતા: મુંબઈ ઇન્ડિયન્સ)

રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈએ ફરી એકવાર ફાઇનલમાં ચેન્નાઈને 41 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આન્દ્રે રસેલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2016 (વિજેતા: સનરાઇઝર્સ હૈદરાબાદ)

ડેવિડ વોર્નરના નેતૃત્વમાં હૈદરાબાદે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 રનથી હરાવી પ્રથમ વાર ટ્રોફી જીતી હતી. આરસીબી ત્રીજી વખત ફાઇનલમાં હર્યું હતું.

IPL 2017 (વિજેતા: મુંબઈ ઇન્ડિયન્સ)

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની હતી. તેમણે ફાઇનલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને માત્ર 1 રનથી હરાવ્યું હતું. પુણેના બેન સ્ટોક્સ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2018 (વિજેતા: ચેન્નાઈ સુપર કિંગ્સ)

બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરીને ધોનીની ચેન્નાઈએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી જોરદાર પુનરાગમન કર્યું હતું. સુનિલ નરેન ફરી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2019 (વિજેતા: મુંબઈ ઇન્ડિયન્સ)

એક અત્યંત રોમાંચક ફાઇનલમાં મુંબઈએ ચેન્નાઈને ફરી એકવાર માત્ર 1 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી હતી. મુંબઈએ 8 વિકેટે 148 રન બનાવ્યા હતા, સામે સીએસકે 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. આન્દ્રે રસેલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યા હતા.

IPL 2020 (વિજેતા: મુંબઈ ઇન્ડિયન્સ)

કોરોના મહામારીને કારણે સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ સીઝનમાં મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવી પાંચમી વાર ટ્રોફી જીતી હતી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2021 (વિજેતા: ચેન્નાઈ સુપર કિંગ્સ)

ચેન્નાઈએ ફાઇનલમાં કેકેઆરને 27 રનથી હરાવી ચોથું ટાઇટલ જીત્યું હતું. સીએસકેએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન કર્યા હતા, જવાબમાં કેકેઆર 165 રન જ બનાવી શક્યું હતું. આરસીબીના હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

IPL 2022 (વિજેતા: ગુજરાત ટાઇટન્સ)

પોતાની ડેબ્યૂ સીઝનમાં જ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાતે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. જોસ બટલર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2023 (વિજેતા: ચેન્નાઈ સુપર કિંગ્સ)

ચેન્નાઈ પાંચમી વાર ચેમ્પિયન બન્યું હતું. અમદાવાદમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો, જે સીએસકેએ છેલ્લી ઓવરના છેલ્લા બોલે 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. શુભમન ગિલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

IPL 2024 (વિજેતા:  કોલકાતા નાઇટ રાઇડર્સ)

શ્રેયસ અય્યરની કપ્તાનીમાં કેકેઆરે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ત્રીજી વાર ટ્રોફી જીતી હતી. હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી અને કેકેઆરે 10.3 ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું હતું. સુનિલ નરેન ફરી મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યા હતા.

IPL 2025 (વિજેતા: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આરસીબીએ વિરાટ કોહલીના 43 રનની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ રીતે આરસીબીએ 6 રનથી મેચ જીતીને ઇતિહાસમાં પોતાનું પ્રથમ આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 717 રન બનાવીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.