RCB ફાઇનલમાં! રજત પાટીદારના વાવાઝોડામાં ઉડી ગયું ગુજરાત, ક્વોલિફાયર-1 માં બેંગલુરુની 92 રને ઐતિહાસિક જીત
Paras Joshi
Author
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની સિઝન હવે તેના ક્લાઇમેક્સ તરફ પહોંચી ગઈ છે. મંગળવારે (26 May) ધર્મશાલાના રમણીય HPCA સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ ક્વોલિફાયર-1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સને 92 રનથી કચડી નાખ્યું છે. આ એકતરફી જીત સાથે જ બેંગલુરુએ આઈપીએલ 2026 ના ફાઇનલમાં ગૌરવભેર પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ, હારવા છતાં ગુજરાત ટાઇટન્સ માટે ફાઇનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે, કારણ કે તેમને ક્વોલિફાયર-2 રમવાની વધુ એક તક મળશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે બેંગલુરુના બેટ્સમેનોએ સંપૂર્ણપણે ખોટો સાબિત કરી દીધો હતો. આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને પ્લેઓફના ઇતિહાસનો સૌથી મોટો 254 રનનો સ્કોર બોર્ડ પર ખડકી દીધો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સધી રહી હતી. ઓપનર વેંકટેશ અય્યર માત્ર 7 બોલમાં 19 રન બનાવીને કગિસો રબાડાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કિંગ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બાજી સંભાળી હતી અને બંને વચ્ચે 72 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. જો કે, જેસન હોલ્ડરે એક જ ઓવરમાં આ જોડીને તોડી નાખી હતી; પહેલા વિરાટ કોહલી (25 બોલમાં 43 રન) અને પછી પડિક્કલ (30 રન) આઉટ થતાં આરસીબી થોડી મુશ્કેલીમાં મુકાયું હતું.
પરંતુ તે પછી ક્રિઝ પર આવેલા રજત પાટીદારે (Rajat Patidar) મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરીને ગુજરાતના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા હતા. પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેને કૃણાલ પંડ્યાનો સારો સાથ મળ્યો, જેમણે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી. કૃણાલ આઉટ થતાં સ્કોર 189/4 થયો હતો. ટિમ ડેવિડ માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો, પણ અંતમાં જીતેશ શર્માએ 5 બોલમાં 15 રન ફટકારીને સ્કોરને 254 સુધી પહોંચાડ્યો હતો. ગુજરાત તરફથી કગિસો રબાડા અને જેસન હોલ્ડરને 2-2 વિકેટ મળી હતી.
255 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ઇનિંગની શરૂઆત ખરાબ સપના જેવી રહી હતી. માત્ર 51 રનના સ્કોર સુધી પહોંચતા જ ગુજરાતના મોખરાના 5 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ઓપનર સાઈ સુદર્શન (14) અને કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોસ બટલરે થોડો સંઘર્ષ કરીને 29 રન બનાવ્યા હતા, પરંતુ 51 ના સ્કોર પર જ બટલર, નિશાંત સિંધુ (5) અને જેસન હોલ્ડર (0) ઉપરાઉપરી આઉટ થતાં ગુજરાતની હાર નક્કી થઈ ગઈ હતી.
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. નીચલા ક્રમના બેટ્સમેનોએ 'તુ ચલ મેં આયા' ની જેમ વિકેટો ગુમાવી દીધી હતી. જો કે, એક છેડો સાચવીને લોઅર ઓર્ડરમાં રાહુલ તેવતિયાએ (Rahul Tewatia) શાનદાર લડત આપી હતી. તેવતિયાએ 68 રનની આક્રમક ઇનિંગ રમીને હારનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરસીબીના પહાડ જેવા સ્કોર સામે તેની આ ઇનિંગ નાની સાબિત થઈ હતી. આખી ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને બેંગલુરુએ 92 રનથી મેચ જીતી લીધી હતી.
હવે ગુજરાત માટે આગળ શું? ક્વોલિફાયર-2 નું ગણિત
ક્વોલિફાયર-1 માં હારવા છતાં ગુજરાત ટાઇટન્સ રેસમાંથી બહાર થઈ નથી. બુધવારે (27 May) રમાનારા એલિમિનેટર (Eliminator) મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે, તેની સામે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ક્વોલિફાયર-2 માં થશે. આ મહત્વનો ક્વોલિફાયર-2 મેચ 29 May ના રોજ મુલ્લાંપુરના મેદાન પર રમાશે, જ્યાં જીતનારી ટીમ ફાઇનલમાં આરસીબી સામે ટકરાશે.