કર્ણાટક કોંગ્રેસમાં અસંતોષ, નવા ચહેરાઓને મંત્રી બનાવવા 30 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
Paras Joshi
Author
કર્ણાટક કોંગ્રેસના 30 ધારાસભ્યોનું જૂથ મંત્રીમંડળમાં ફેરબદલની માંગ સાથે દિલ્હી પહોંચ્યું છે. ધારાસભ્યોની માંગ છે કે જે મંત્રીઓ અનેક વખત પદ ભોગવી ચૂક્યા છે તેમને હટાવીને નવા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મુલાકાતને સામાન્ય ગણાવી છે, પરંતુ 30 ધારાસભ્યોનું એકસાથે દિલ્હી જવું પક્ષમાં મોટા વિખવાદ તરફ ઈશારો કરે છે. હાઈકમાન્ડ હવે આ અસંતોષને કેવી રીતે થાળે પાડે છે તેના પર સૌની નજર છે.
દિલ્હી પહોંચેલા ધારાસભ્યોનું નેતૃત્વ બેલુર ગોપાલકૃષ્ણ અને અશોક પટ્ટન કરી રહ્યા છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ બળવો નથી, પરંતુ પક્ષના હિતમાં લેવાયેલું એક પગલું છે. ધારાસભ્યોનો તર્ક છે કે કર્ણાટક સરકારમાં ઘણા એવા મંત્રીઓ છે જેઓ ત્રણ, ચાર કે પાંચ વખત મંત્રી રહી ચૂક્યા છે. પક્ષના પાયાના અને વરિષ્ઠ કાર્યકરો જેઓ વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે તેમને હજુ સુધી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. તેમનું કહેવું છે કે પક્ષે હવે 'જૂના ચહેરાઓને આરામ અને નવા ચહેરાઓને કામ'ની નીતિ અપનાવવી જોઈએ જેથી સરકારમાં નવી ઉર્જાનો સંચાર થાય.
આ સમગ્ર કવાયતની પટકથા આ વર્ષે માર્ચ મહિનામાં એક 'ડિનર મીટિંગ' દરમિયાન લખાઈ હતી. ધારાસભ્યોના જણાવ્યા મુજબ, જ્યારે સરકારની રચના થઈ હતી ત્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો હતો કે બે વર્ષ પછી કેબિનેટમાં મોટા ફેરફારો કરવામાં આવશે. જોકે, હવે અઢી-ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં જ યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામો બાદ આ ધારાસભ્યોને લાગી રહ્યું છે કે હાઈકમાન્ડ પર દબાણ બનાવવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. જો અત્યારે ફેરબદલ નહીં થાય તો આગામી સમયમાં અસંતોષ વધુ વકરી શકે છે.