Home National
January 12, 2026

જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા દળો એલર્ટ પર

Paras Joshi

Author

Post Image

જમ્મુ-કાશ્મીરના જમ્મુ ડિવિઝનમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદ ડ્રોન હલચલ જોવા મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. સંબા, કઠુઆ, રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સાંજ બાદ આકાશમાં ઝબકતી લાઇટ સાથે અજાણ્યા ઓબ્જેક્ટ્સ નજરે પડ્યા હતા, જેના પગલે સેનાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં LoC નજીક આવેલા ગનિયા-કલસિયન ગામ ઉપર સાંજે લગભગ 6:35 વાગ્યે પ્રથમ શંકાસ્પદ ડ્રોન દેખાયો હતો. સેનાની ટુકડીઓએ તરત જ લાઇટ મશીન ગન દ્વારા ફાયરિંગ કર્યું. લગભગ એ જ સમયે તરિયાથ વિસ્તારમાં આવેલા ખબ્બર ગામ ઉપર પણ એક અન્ય ડ્રોન નજરે પડ્યો, જે કલકોટના ધર્મશાળા ગામ તરફથી આવીને ભરખ તરફ આગળ વધતો જોવા મળ્યો હતો.

સંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ચક બબ્રાલ ગામ ઉપર પણ સાંજે 7:15 વાગ્યે બ્લિંકિંગ લાઇટવાળું ઓબ્જેક્ટ અનેક મિનિટો સુધી આકાશમાં ફરતું રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જોકે, આ ડ્રોનની પ્રકૃતિ, તે સશસ્ત્ર હતું કે સર્વેલન્સ માટે વપરાતું હતું અને તેનું સ્ત્રોત શું હતું, તે અંગે અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન તરફથી અનેક ડ્રોન ઘુસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન સીધી લડાઈમાં નિષ્ફળ ગયા બાદ ડ્રોન અને આતંકી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની આંતરિક સુરક્ષા ખોરવવાની કોશિશ કરતું રહ્યું છે.

હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવી છે, નાઇટ વિઝન સિસ્ટમ્સ સક્રિય કરવામાં આવી છે અને સમગ્ર બોર્ડર બેલ્ટમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વસ્તીને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.