Home Gujarat
February 24, 2026

ગુજરાત લોક સેવા આયોગ દ્વારા આગામી ૧૦ વર્ષમાં ૨.૧૦ લાખથી વધુ સીધી ભરતીનું આયોજન: મંત્રી ઈશ્વરસિંહ પટેલ

Paras Joshi

Author

Post Image

રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ: મંત્રી

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત લોક સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડેમોગ્રાફિક ડિવિડન્ડ'ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.

મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ ને વર્ગ-૧ અને વર્ગ-૨ની કુલ ૩૦૬ જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૨૪માં ૭૩ અને વર્ષ ૨૦૨૫માં ૨૩૩ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી ૨૪૦ જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર કરી ટૂંક સમયમાં જ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સરકારી ભરતીમાં સાતત્ય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. આ આયોજન હેઠળ વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ દરમિયાન કુલ ૨,૧૦,૫૮૨ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગત વર્ષમાં જ ૩૦,૦૦૦ થી વધુ સફળ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ઉચ્ચ વહીવટી સ્તરે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી પણ વેગવંતી છે. હાલની સ્થિતિ પ્રમાણે વર્ગ-૧ની કુલ ૧૩,૮૦૩ મંજૂર જગ્યાઓ સામે ૭,૫૩૫ જગ્યાઓ તથા વર્ગ-૨ની કુલ ૩૪,૩૩૫ મંજૂર જગ્યાઓ સામે ૨૨,૮૫૭ જગ્યાઓ ભરાયેલી છે.
 
રાજ્ય સરકાર માત્ર સામાન્ય ભરતી જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગને ન્યાય આપવા કટિબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગો માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા 'ખાસ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે, જેના હેઠળ વિવિધ સંવર્ગોમાં અનામત જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે તે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.