Home World
April 18, 2026

શું FBI ડાયરેક્ટરની નોકરી ખતરામાં છે? રિપોર્ટમાં નશામાં ધૂત રહેવાના ચોંકાવનારા દાવા

Paras Joshi

Author

Post Image

FBI ડાયરેક્ટર કાશ પટેલ પર એક રિપોર્ટમાં નશામાં ધૂત રહેવા, કામમાં વિલંબ કરવા અને અસ્થિર માનસિકતા ધરાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. રિપોર્ટ મુજબ, ૧૦ એપ્રિલે એક ટેકનિકલ લોગ-ઈન ખામીને કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને પોતાને નોકરીમાંથી કાઢી મૂકાયા હોવાનું માની સહકર્મીઓને ફોન કરવા લાગ્યા હતા. આ ઉપરાંત, અતિશય દારૂ પીવાની આદતને કારણે તેઓ ઘણીવાર ગાયબ થઈ જતા હોવાનું અને સુરક્ષા ટીમે દરવાજા તોડીને તેમને જગાડવા પડતા હોવાના દાવા પણ કરાયા છે. જોકે, કાશ પટેલે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

રિપોર્ટમાં આપેલી વિગત મુજબ, ગત ૧૦ એપ્રિલના રોજ એક વિચિત્ર ઘટના બની હતી. કાશ પટેલ જ્યારે વીકેન્ડ માટે ઓફિસથી નીકળી રહ્યા હતા ત્યારે તેઓ ઇન્ટરનલ કમ્પ્યુટર સિસ્ટમમાં લોગ-ઈન કરી શક્યા નહોતા. આ સામાન્ય ટેકનિકલ ક્ષતિને તેમણે પોતાની હકાલપટ્ટી સમજી લીધી હતી. તેમને લાગ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ડરને કારણે તેમણે તાત્કાલિક પોતાના નજીકના લોકો અને સહયોગીઓને ફોન કરીને જાણ કરી દીધી કે તેમની નોકરી ગઈ છે. આ સમાચારને કારણે અંદાજે ૩૮,૦૦૦ કર્મચારીઓ ધરાવતી એજન્સીમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને કેટલાક ઉચ્ચ અધિકારીઓએ તો વ્હાઇટ હાઉસમાં ફોન કરીને એજન્સીના નવા વડા કોણ છે તેની પૃચ્છા પણ કરી હતી.

આ વિવાદ માત્ર લોગ-ઈન પૂરતો સીમિત નથી. રિપોર્ટમાં એફબીઆઈના કેટલાક અધિકારીઓના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે કાશ પટેલને દારૂ પીવાની ગંભીર આદત છે. આરોપ છે કે તેઓ ઘણીવાર એટલી હદે નશામાં હોય છે કે તેમનું વર્તન અસામાન્ય બની જાય છે અને તેઓ લાંબા સમય સુધી ગાયબ થઈ જાય છે. એક કિસ્સામાં તો એવું પણ બન્યું હતું કે તેઓ પોતાના રૂમમાં બેભાન જેવી હાલતમાં હતા અને બહારથી કોઈ સંપર્ક થઈ શકતો નહોતો, જેના કારણે સુરક્ષા ટીમે ખાસ સાધનો મંગાવીને રૂમનો દરવાજો તોડવો પડ્યો હતો. આ પ્રકારની ઘટનાઓએ એજન્સીની ગરિમા અને દેશની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

કાશ પટેલની આ કથિત આદતોની અસર તેમના કામ પર પણ પડી રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ઘણી મહત્વની મીટિંગો અને બ્રીફિંગ્સમાં તેઓ મોડા પહોંચતા હતા અથવા તો તેને મોકૂફ રાખવી પડતી હતી. તપાસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ મહત્વના નિર્ણયો લેવામાં વિલંબ કરે છે, જેના કારણે ગંભીર તપાસો અટકી પડે છે. બીજી તરફ, કેટલાક કિસ્સાઓમાં તેમણે અધૂરી જાણકારી સાથે ઉતાવળમાં નિર્ણયો લીધા હોવાના પણ આક્ષેપ છે. તેમના નેતૃત્વમાં એજન્સીના ઘણા અનુભવી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, જેના કારણે કામનું દબાણ વધી ગયું છે અને સંસ્થામાં અનુભવની કમી વર્તાઈ રહી છે.

જોકે, આ તમામ નકારાત્મક અહેવાલો વચ્ચે ટ્રમ્પ પ્રશાસનના કેટલાક પ્રભાવશાળી લોકો કાશ પટેલના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પટેલે ખૂબ જ ટૂંકા ગાળામાં ગુનાખોરી ડામવા માટે પ્રશંસનીય કામ કર્યું છે અને આ રિપોર્ટ તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે. પોતે કાશ પટેલે પણ આ તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ વાતો તદ્દન ખોટી અને ભ્રામક છે. અત્યારે અમેરિકા જ્યારે બાહ્ય અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે એફબીઆઈના વડા વિરુદ્ધના આ અહેવાલોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે.