Home World
April 16, 2026

હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની ઈરાનને ચેતવણી, 22 એપ્રિલ બાદ ફરી શરૂ થઈ શકે છે જંગ

Author

Post Image

અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ઈરાનને સીધી ચેતવણી આપી છે કે હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજોને ધમકાવવા એ સીધી રીતે સમુદ્રી લૂંટ છે. ૨૨ એપ્રિલે સીઝફાયર પૂર્ણ થવા જઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં થયેલી મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ યુદ્ધનો ખતરો વધી ગયો છે. હેગસેથે જણાવ્યું કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ઈરાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. બીજી તરફ, ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારી રૂપે પોતાના એટેક ડ્રોન બનાવવાની ઝડપમાં 10 ગણો વધારો કરી દીધો છે.

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાન એવા ભ્રમમાં છે કે તે હોર્મુઝની ખાડી પર રાજ કરે છે, પરંતુ વાસ્તવમાં તેની પાસે કોઈ સક્ષમ નૌસેના જ નથી. તેમણે ઈરાન દ્વારા વેપારી જહાજોને નિશાન બનાવવાની ધમકીઓને વખોડી કાઢી હતી. હેગસેથના મતે, આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોને રોકવા અથવા તેમને ધમકાવવા એ સમુદ્રી ડાકુઓ જેવું કૃત્ય છે. તેમણે ખાતરી આપી હતી કે અમેરિકી સેના અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને જો રાજદ્વારી માધ્યમોથી કોઈ ઉકેલ નહીં આવે, તો સૈન્ય વિકલ્પ ખુલ્લો છે.

હોર્મુઝની ખાડી વ્યૂહાત્મક રીતે સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વની છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે ૨૦ ટકા હિસ્સો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન આ માર્ગમાં કોઈ અવરોધ ઊભો કરે, તો વૈશ્વિક બજારમાં તેલની કિંમતો આસમાનને આંબી શકે છે, જેની સીધી અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પડશે. હેગસેથે ખુલાસો કર્યો કે ઈરાન અત્યારે તેના તે શસ્ત્રો અને લોન્ચરોને ફરીથી કાર્યરત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે અગાઉની બોમ્બમારીમાં નષ્ટ થયા હતા. અમેરિકાને ખબર છે કે ઈરાન કયો સામાન ક્યાં ખસેડી રહ્યું છે.

આ તણાવ એવા સમયે વધી રહ્યો છે જ્યારે ૨૨ એપ્રિલના રોજ સીઝફાયરની સમયસીમા સમાપ્ત થઈ રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો થયા હતા, પરંતુ તે વાતચીત કોઈ પણ પરિણામ વગર તૂટી ગઈ છે. રક્ષા મંત્રીએ સાફ સંકેત આપ્યા છે કે અમેરિકા ઈરાનની ગતિવિધિઓને હળવાશથી લેવાનું નથી. ઈરાને પોતાની સરહદો પાસે સૈન્ય જમાવટ વધારી છે, જેના જવાબમાં અમેરિકાએ પણ આ વિસ્તારમાં પોતાની નજર તેજ કરી દીધી છે.

ઈરાન તરફથી પણ આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. ઈરાની સૈન્યના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ અને અમેરિકાના અગાઉના હુમલાઓ બાદ ઈરાને પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. ઈરાને તેના એટેક ડ્રોન એટલે કે હુમલાખોર ડ્રોન બનાવવાની ક્ષમતામાં ૧૦ ગણો વધારો કર્યો છે. ભવિષ્યમાં જો કોઈ મોટો હુમલો થાય, તો તેનો સામનો કરવા માટે ઈરાને પોતાના શસ્ત્રભંડારને આધુનિક બનાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. હવે આખી દુનિયાની નજર ૨૨ એપ્રિલ પર છે, કારણ કે તે દિવસે નક્કી થશે કે પશ્ચિમ એશિયા શાંતિ તરફ જશે કે ભયાનક યુદ્ધ તરફ.