Home World
April 20, 2026

ફરી યુદ્ધના ભણકારા! અમેરિકી નેવીએ ઈરાની માલવાહક જહાજને દરિયામાં જ દબોચ્યું

Paras Joshi

Author

Post Image

અમેરિકી નૌસેનાએ સ્ટ્રેટ ઓફ હાર્મુઝમાં ઈરાની કાર્ગો જહાજ 'TOUSKA' ને જપ્ત કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ જહાજે ઓમાનની ખાડીમાં અમેરિકી નૌસેનાની ચેતવણીઓનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ યુએસએસ સ્પ્રુઅન્સ (USS Spruance) દ્વારા તેને આંતરીને મરીન જવાનોએ કબજામાં લીધું હતું. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઈરાન સાથે મનમુજબની સમજૂતી નહીં થાય ત્યાં સુધી આ નાકેબંધી ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી વળતા પ્રહારની ચીમકી આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા આ ઓપરેશનની વિગતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે ઈરાની ધ્વજ ધરાવતા 'TOUSKA' નામના કાર્ગો જહાજે હોર્મુઝ પાસેની અમેરિકી નાકેબંધીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓમાનની ખાડીમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી વિનાશક જહાજ યુએસએસ સ્પ્રુઅન્સે તેને અટકાવવાનો સંકેત આપ્યો હતો, પરંતુ જહાજે પોતાની ગતિ ચાલુ રાખી હતી. ટ્રમ્પે કટાક્ષ કરતા લખ્યું કે, "આ ઈરાન માટે બિલકુલ સારું રહ્યું નથી," અને હવે અમેરિકી મરીન જવાનોએ આખું જહાજ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.

ટ્રમ્પના દાવા મુજબ, આ જહાજ અગાઉ પણ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. હાલમાં અમેરિકી સુરક્ષા એજન્સીઓ જહાજની સઘન તપાસ કરી રહી છે કે તેમાં કયો સામાન લઈ જવામાં આવી રહ્યો હતો. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર દબાણ લાવવા માટે આ પ્રકારની દરિયાઈ નાકેબંધી અનિવાર્ય છે. જ્યાં સુધી ઈરાન પરમાણુ કાર્યક્રમ અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ પર અમેરિકાની શરતો મુજબ નવી ડીલ કરવા માટે તૈયાર નહીં થાય, ત્યાં સુધી હોર્મુઝમાં જહાજોની અવરજવર પર આવા કડક પ્રતિબંધો યથાવત રહેશે.