આંકલાવના ઉમેટામાં હાઈ-પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી: 18 નબીરાઓ ઝડપાયા
Author
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને હાઈ-પ્રોફાઇલ દારૂની પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ઉમેટા-ફતેપુરા રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફિલ જામી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે આંકલાવ પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી નશાની હાલતમાં વડોદરાના 18 જેટલા નબીરાઓ મળી આવ્યા હતા. પકડાયેલા લોકોમાં 15 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જે તમામ વડોદરાના પ્રતિષ્ઠિત પરિવારો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન ફાર્મ હાઉસના સ્થળ પરથી વિદેશી દારૂ, બિયરના ટીન અને નશા માટે વપરાતી અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે માત્ર ધરપકડ જ નહીં, પરંતુ મોટા પાયે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ દરોડામાં અંદાજે 1.04 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં લક્ઝુરિયસ 8 કાર, મોંઘા મોબાઈલ ફોન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જોકે, પોલીસની આ રેડ દરમિયાન ફાર્મ હાઉસનો માલિક અને અન્ય કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પરંતુ, આ હાઈ-પ્રોફાઇલ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને રાત્રે જ જામીન આપી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આટલી ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે સ્થાનિકો અને સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ કરોડોનો મુદ્દામાલ પકડાયો હોય અને બીજી તરફ ગણતરીના કલાકોમાં આરોપીઓ મુક્ત થઈ જાય, તે પોલીસની કામગીરી સામે શંકાની સોય તાકે છે. હાલ આ ઘટના આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.