Home Gujarat
April 15, 2026

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર 'રિસોર્ટ સંસ્કૃતિ'નો ઉદય, કોંગ્રેસનું મિશન અજ્ઞાતવાસ

Paras Joshi

Author

Post Image

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે ચૂંટણીનો જંગ મેદાનને બદલે રિસોર્ટના રૂમોમાં કેદ થતો જોવા મળી રહ્યો છે. ફોર્મ ખેંચવાની અંતિમ ઘડીઓ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર 'રિસોર્ટ સંસ્કૃતિ'નો ઉદય થયો છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ફોર્મ બચાવવા અને તેમને પક્ષપલટા કે દબાણથી દૂર રાખવા માટે 'મિશન અજ્ઞાતવાસ' શરૂ કર્યું છે. વિવિધ જિલ્લા અને તાલુકાઓના કોંગ્રેસી ઉમેદવારોને ગુપ્ત રીતે સુરક્ષિત સ્થળો અને રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે જ હારની સ્થિતિ ઉભી ન થાય.

કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભાજપ સત્તાના જોરે તોડ-જોડની નીતિ અપનાવી રહી છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ભાજપ પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને તેમના ઉમેદવારો પર ફોર્મ ખેંચવા માટે દબાણ કરી રહી છે. ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવતા હોવાથી પક્ષે તેમને સુરક્ષિત રાખવા માટે રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને પોતાના સૈનિકોને સાચવી રાખવા મથામણ કરી રહી છે.

બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ભાજપના પ્રવક્તાઓએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે હવે ચૂંટણી લડવા માટે સક્ષમ ઉમેદવારો પણ બચ્યા નથી. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે ગમે તેને પકડીને ઉમેદવાર બનાવી દીધા છે, અને હવે જ્યારે એ જ ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર નથી ત્યારે હારનું ઠીકરૂ ભાજપ પર ફોડવામાં આવી રહ્યું છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની આંતરિક નબળાઈ છુપાવવા માટે રિસોર્ટ રાજકારણનો આશરો લઈ રહી છે. હાલ તો ગુજરાતનું રાજકારણ રિસોર્ટના દરવાજા પાછળ કેદ થયું છે, જેનો ફેંસલો આગામી દિવસોમાં જ થશે.