ગુજરાતમાં ચૂંટણી પૂર્વે જંગના મેદાનમાં મોટો ઉલટફેર: 10 દિવસ બાકી અને 722 બેઠકો બિનહરીફ જાહેર
Paras Joshi
Author
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને મતદાનને હવે ગણતરીના 10 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના રાજકીય ફલક પર એક મોટો ઘટસ્ફોટ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કુલ 722 બેઠકો પર પરિણામો મતદાન પૂર્વે જ જાહેર થઈ ગયા છે. આ બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા અથવા પૂરતા ઉમેદવારો ન હોવાને કારણે ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. 26મી એપ્રિલે યોજાનાર મતદાન પૂર્વે જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા ચૂંટણીના જંગમાં અનેક નવા સમીકરણો રચાયા છે.
રાજ્યની 84 નગરપાલિકાઓમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કુલ 383 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નગરપાલિકાની 2,624 બેઠકો માટે શરૂઆતમાં હજારો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ ચકાસણી દરમિયાન 1,525 ફોર્મ રદ થયા અને અંતિમ તબક્કે 468 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી હટવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, તાલુકા પંચાયતની વાત કરીએ તો 260 તાલુકા પંચાયતોની 5,234 બેઠકોમાંથી 250 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ પંચાયત સ્તરની ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી જોવા મળી હતી, જેમાં 20,638 જેટલા જંગી ફોર્મ ભરાયા હતા, પરંતુ મોટી સંખ્યામાં ઉમેદવારો અયોગ્ય ઠર્યા બાદ હવે 13,882 ઉમેદવારો મેદાનમાં બચ્યા છે.
મહાનગરપાલિકાઓમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોની 1,004 બેઠકોમાંથી 43 બેઠકો પર વિજેતાઓના નામ નક્કી થઈ ગયા છે. અહીં 133 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બિનહરીફ થયેલી આ 722 બેઠકોમાં કેટલીક પેટાચૂંટણીની બેઠકોનો પણ સમાવેશ થાય છે. હવે જ્યારે મેદાન સાફ થઈ ચૂક્યું છે, ત્યારે બાકી રહેલી બેઠકો પર 26મી એપ્રિલે રસાકસીભર્યું મતદાન યોજાશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને રાજકીય પક્ષોએ હવે જે બેઠકો પર મુકાબલો છે ત્યાં પોતાની પૂરી શક્તિ ઝોંકી દીધી છે.