વડોદરામાં ભાજપનો ગ્લેમરસ દાવ: ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપી
Paras Joshi
Author
વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ઉમેદવાર બનાવ્યા છે. અંકિતા સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે અને અગાઉ મોડેલિંગની ઓફરો પણ ઠુકરાવી ચુકી છે. જોકે, તેમની ટિકિટને કારણે ભાજપના પૂર્વ કાર્યકર્તા નયના પરમાર નારાજ થયા છે અને તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થવાના છે ત્યારે આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે.
ભાજપના આ નિર્ણય બાદ પક્ષના પાયાના અને જૂના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર નયના પરમારને ટિકિટ ન મળતા તેમણે બળવો પોકાર્યો છે. નયના પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નયના પરમારની પાયાના સ્તરે પકડ મજબૂત છે, જેના કારણે અંકિતા પરમારના મતોમાં ગાબડું પડી શકે છે. જો મતોનું વિભાજન થશે તો તેનો સીધો ફાયદો અન્ય વિરોધ પક્ષોને મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ ખેંચતાણ વચ્ચે અંકિતાએ અત્યારથી જ મતદારોનો સંપર્ક કરી પ્રચાર પ્રસાર તેજ બનાવી દીધો છે.
અંકિતા પરમારની વાત કરીએ તો તેમનો જન્મ વડોદરામાં થયો છે અને તેમણે રાયપુરની કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. અંકિતાને રાજકારણ વારસામાં મળ્યું છે, કારણ કે તેમના સસરા છેલ્લા ૪૫ વર્ષથી સક્રિય રાજકારણમાં છે. અંકિતા પોતાની ફિટનેસ અને મહિલા સ્વાતંત્ર્ય માટે જાણીતી છે. તે ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ વીડિયો શેર કરીને લોકોને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે. વડોદરામાં તેમનું પોતાનું જિમ પણ છે અને તેઓ માને છે કે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક વ્યાયામ કરવો જ જોઈએ. તેમની આ ફિટનેસ પ્રત્યેની રુચિને કારણે જ તેમને ભૂતકાળમાં ઘણી મોડેલિંગની ઓફરો મળી હતી, પરંતુ રાજકારણમાં કારકિર્દી બનાવવાના હેતુથી તેમણે આ તમામ ઓફરો નકારી કાઢી હતી.
અંકિતા પરમાર માટે રાજકારણ નવું નથી. પાંચ વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અઢી વર્ષ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. આ અનુભવના આધારે ભાજપે તેમને જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે. અંકિતાનું કહેવું છે કે તેમનું સંપૂર્ણ ધ્યાન હવે જનસેવા અને વિસ્તારના વિકાસ પર છે. સોશિયલ મીડિયા પર ભલે તેમની ગ્લેમરસ છબી હોય, પરંતુ મેદાનમાં તેઓ એક સક્રિય લોક પ્રતિનિધિ તરીકે મત માંગવા નીકળ્યા છે.