સુરતમાં 'જીમ જેહાદ'નો સનસનાટીભર્યો કિસ્સો: જીમ ટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે માંગી 5 લાખની ખંડણી
Paras Joshi
Author
સુરત શહેરમાંથી લવ જેહાદ બાદ હવે 'જીમ જેહાદ'નો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા એક જાણીતા જીમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા શખ્સે એક 45 વર્ષીય પરિણીતાને પોતાની જાળમાં ફસાવી હતી. આ ઘટનાની વિગત એવી છે કે, ભોગ બનનાર મહિલા છેલ્લા સાત વર્ષથી 'પૂજા એલ વન' જીમમાં કસરત માટે જતી હતી. આ દરમિયાન જીમ ટ્રેનર શબ્બીર ટ્રંકવાળાએ તેને વિવિધ લોભ-લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. સંબંધો કેળવ્યા બાદ આરોપીની દાનત બગડી હતી અને તેણે પરિણીતાના પતિને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપી શબ્બીરે પરિણીતાના પતિ પાસે પત્નીને છોડવાના બદલામાં 5 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, જો રૂપિયા ન આપવામાં આવે તો મહિલાના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લાચાર પતિએ પોતાની પત્નીને છોડી દેવા માટે આરોપી સામે અનેક આજીજી કરી હતી. શરૂઆતમાં ડરના માર્યા પતિએ આરોપીને 50 હજાર રૂપિયા આપી પણ દીધા હતા, તેમ છતાં લાલચુ ટ્રેનરની ભૂખ સંતોષાઈ નહોતી અને તે બાકીના સાડા ચાર લાખ રૂપિયા માટે સતત દબાણ અને ધમકીઓ આપતો રહ્યો હતો.
આ કિસ્સામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત એસઓજી (SOG) પોલીસ દ્વારા લેવાયેલા એક કડક પગલાની અસર જોવા મળી. ઉલ્લેખનીય છે કે, ગત 9 માર્ચે પોલીસે શહેરના તમામ જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે બેઠક યોજી હતી, જેમાં સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે ટ્રેનરોએ પોતાની મર્યાદામાં રહેવું અને મહિલાઓ સાથે કોઈ અનૈતિક સંબંધો કેળવવા નહીં. આ મીટિંગના વીડિયો અને જનજાગૃતિના સંદેશા જોઈને પીડિત પતિમાં હિંમત આવી હતી. તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે એક્શન મોડમાં આવીને જીમ ટ્રેનર શબ્બીર ટ્રંકવાળાની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.