ADR રિપોર્ટના દાવા સામે હકીકત: પૂનમ માડમની સંપત્તિમાં વધારો ‘રાતોરાત’ નહીં, પણ કાયદેસર અને પારદર્શક
Paras Joshi
Author
Poonam Madam News: તાજેતરમાં ADR એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ બાદ જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિને લઈને મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટમાં સંપત્તિમાં થયેલા વધારાને ‘રાતોરાત’ અથવા ‘અચાનક’ થયેલા વધારા તરીકે ચિતરવાનો પ્રયાસ થયો છે. જોકે, જ્યારે નાણાકીય આંકડાઓ, આવકવેરાના રિટર્ન અને બજારની વાસ્તવિકતા તપાસીએ છીએ, ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવે છે.
હકીકત એ છે કે આ સંપત્તિનો વધારો કોઈ જાદુઈ નથી, પરંતુ છેલ્લા 10 વર્ષના વ્યવસ્થિત ફાઈનાન્શિયલ પ્લાનિંગ, કાયદેસરની આવક અને બજારમૂલ્યમાં થયેલા વધારાનું પરિણામ છે.
ગ્રોસ વેલ્યુ vs. નેટ વેલ્યુ: અડધું સત્ય ભ્રામક હોય છે
કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિ માત્ર તેની કુલ સંપત્તિ જોઈને નક્કી ન કરી શકાય, તેની સામે રહેલી લોન અને જવાબદારીઓ પણ જોવી પડે. 2019 થી 2024 એટલે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં ગ્રોસ એસેટમાં ભલે રૂ. 56.79 કરોડનો વધારો દેખાતો હોય, પરંતુ તેની સામે લોન અને જવાબદારીઓ બાદ કરતા, નેટ વધારો માત્ર રૂ. 9.36 કરોડ જ છે.
આ વધારો મુખ્યત્વે છેલ્લા 5 વર્ષમાં ભરેલા ઈન્કમ ટેક્સ રિટર્ન મુજબની આવક (રૂ. 7.80 કરોડ - ટેક્સ ચૂકવ્યા બાદ) ને કારણે છે. બાકીનો વધારો જ્વેલરી અને શેરના બજારભાવ વધવાને કારણે છે.
10 વર્ષનું સરવૈયું: પારદર્શક હિસાબ
જો આપણે માત્ર પૂનમ માડમ નહીં, પરંતુ તેમના પતિ અને HUF (હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી) એમ સંયુક્ત રીતે છેલ્લા 10 વર્ષનો હિસાબ જોઈએ, તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. છેલ્લા 10 વર્ષમાં કુલ સંપત્તિમાં રૂ. 130 કરોડનો વધારો થયો છે, પરંતુ તેની સામે દેવું/લોન પણ રૂ. 46.75 કરોડ વધ્યા છે. એટલે કે, 10 વર્ષમાં પરિવારની નેટ સંપત્તિમાં રૂ. 83.25 કરોડનો વાસ્તવિક વધારો થયો છે.
આ પૈસા આવ્યા ક્યાંથી?
ADR રિપોર્ટ જે સ્પષ્ટ નથી કરતું, તે આંકડાઓ અહીં છે. આ રૂ. 83-96 કરોડનો વધારો કેવી રીતે થયો તેનું બ્રેક-અપ સમજીએ,
• ટેક્સ ભરેલી કાયદેસર આવક (રૂ. 40.29 કરોડ): છેલ્લા 10 વર્ષમાં પરિવારે જે ઈન્કમ ટેક્સ રિટર્ન ભર્યા છે, તેમાં સરકારને ટેક્સ ચૂકવ્યા બાદની આ ચોખ્ખી બચત છે.
• માતૃશ્રી તરફથી ભેટ (રૂ. 36 કરોડ): પૂનમ માડમના માતાએ પોતાની મિલકતોનું વેચાણ કરીને જે રકમ મેળવી હતી (જે તેમના રિટર્નમાં પણ જાહેર છે), તેમાંથી દીકરીને કાયદેસરની ભેટ આપી છે.
• બજાર કિંમતમાં વધારો (રૂ. 19.85 કરોડ): ચૂંટણી એફિડેવિટના નિયમ મુજબ સોનું, જમીન અને શેરનું મૂલ્ય ‘આજના બજાર ભાવ’ મુજબ દર્શાવવું પડે છે.
• જમીન/પ્રોપર્ટીના ભાવ વધારાથી: રૂ. 14.77 કરોડ
• સોના-ઝવેરાતના ભાવ વધારાથી: રૂ. 4.15 કરોડ
• શેર/મ્યુચ્યુઅલ ફંડના વધારાથી: રૂ. 0.93 કરોડ
આમ, કુલ હિસાબ (40.29 + 36 + 19.85) એકદમ સ્પષ્ટ છે. આમાં ક્યાંય પણ છુપાવેલી કે બિનહિસાબી આવક નથી.
એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ તો, જો કોઈ સામાન્ય બિઝનેસમેન કે ઉદ્યોગપતિએ 2014 થી અત્યાર સુધી નિયમિત ટેક્સ ભરતો હોય, પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોય અને પારિવારિક વારસો મળ્યો હોય, તો તેની સંપત્તિમાં પણ આવો જ વધારો જોવા મળે. આ એક સામાન્ય આર્થિક પ્રક્રિયા છે.
પરંતુ, પૂનમ માડમ એક સાંસદ હોવાને કારણે, આ સ્વાભાવિક આર્થિક પ્રગતિને ‘નેગેટિવ નેરેશન’ સાથે જોડવામાં આવી રહી છે. ADR રિપોર્ટમાં ‘લોન અને જવાબદારીઓ’ના પાસાને અવગણીને માત્ર સંપત્તિનો વધારો હાઈલાઈટ કરવામાં આવ્યો છે.
પૂનમ માડમની સંપત્તિમાં થયેલો વધારો ‘રાતોરાત’ નથી, પરંતુ ‘રેકોર્ડ પર’ છે. આ વધારો નિયમિત કરચુકવણી, કૌટુંબિક ભેટ અને મોંઘવારીને કારણે મિલકતોના ભાવમાં થયેલા વધારાનું પ્રતિબિંબ છે. કાયદેસરનો વેપાર અને ટેક્સ પ્લાનિંગ કરનાર કોઈપણ વ્યક્તિ માટે આ આંકડાઓ સ્વાભાવિક છે.