Makar Sankranti 2026: CM ભૂપેન્દ્રભાઈ પટેલે પતંગ ઉડાવી કરી ઉત્તરાયણની ઉજવણી
Paras Joshi
Author
રાજ્યભરમાં ઉતરાયણનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ પતંગરસિકોનો ઉત્સાહ પણ બમણો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વ્યવસ્થાની કમાન સંભાળતા મુખ્યમંત્રીએ આજે હાથમાં પતંગની દોરી પણ સંભાળી લીધી હતી. ઉંમર અને હોદ્દાને ભૂલીને સામાન્ય નાગરિકની જેમ તેમણે પણ પતંગ મહોત્સવની મજા લૂંટી હતી. એક બાજુ જ્યા વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું હતું. ત્યા બીજી બાજુ રાજ્યના કર્તાહર્તા મુખ્યમંત્રી પણ પતંગના પેચ લડાવવા નીકળી પડ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક એવા દરિયાપુર વિસ્તારમાં કરી હતી. દરિયાપુરના વાડીગામ ખાતે સ્થાનિક રહીશોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે. તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બલુન્સને આકાશમાં છોડીને ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરજનો સાથે મળીને પતંગ ઉડાવ્યો હતો. અને આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવતા મુખ્યમંત્રીએ સૌ નાગરિકજનોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને મમરાના લાડુ અને તલની ચિક્કીનું વિતરણ કર્યું હતું.